સંજય ગાંધી નેશનલ પાર્કના અધિકારીઓ આવતા માર્ચમાં પાંચ દીપડાને રેડિયો કોલર બાંધશે. ગયા જુલાઇ – 2020માં કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાએ પાંચ દીપડાને રેડિયો કોલર બાંધવાની મંજૂરી આપી છે.
રેડિયો કોલર એટલે ગોળ- પાતળી ઇલેક્ટ્રોનિક પટ્ટી આવી ઇલેક્ટ્રોનિક પટ્ટી વાઘ, સિંહ, દીપડો, હરણ અને પક્ષીઓની ડોક કે કાન પર ગોઠવવામાં આવે છે. રેડિયો કોલરની મદદથી પ્રાણી અને પક્ષીની તમામ હિલચાલ અને પ્રવૃત્તિની સચોટ માહિતી મેળવી શકા છે. આવી માહિતીના આધારે તે પ્રાણી કે પક્ષી વિશે સંશોધનાત્મક અભ્યાસ થઇ શકે છે.
સંજય ગાંધી નેશનલ પાર્ક (એસ.જી.એન.પી.)માના પાંચ દીપડાને રેડિયો કોલર ગોઠવાશે તો આ પ્રાણીઓ નેશનલ પાર્કમાં અને આજુબાજુના પરિસરમાં ક્યાં ક્યાં જાય છે. કઇ કઇ પ્રવૃત્તિ કરે છે તેની ઉપયોગી માહિતી મળી શકશે.
એસ.જી.એન.પી.ના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અહીંના પાંચ દીપડાનો બે વરસ દરમિયાન અભ્યાસ કરવાની યોજના છે. આ પાંચેય દીપડા નેશનલ પાર્કમાં ક્યારે- કયા કયા સ્થળે જાય છે, કઇ કઇ પ્રવૃત્તિ કરે છે, ક્યારે આ રામ કરે છે, નિદ્રા લે છે વગેરે બાબતોની ઉપયોગી માહિતી મળશે. આમ દીપડાના રોજરોજના જીવન વિશે મહત્વની જાણકારી મળશે.
આ સૂત્રોએ રેડિયો કોલરની કામગીરી વિશે જણાવ્યું હતું કે રેડિયો કોલરના સંદેશા આકાશમાં કરતા સેટેલાઇટને મળશે ત્યારબાદ તે સિગ્નલ્સ દીપડાનો અભ્યાસ કરતા પ્રાણી શાસ્ત્રીઓને મળશે. આ સિગ્નલ્સના આધારે તે તમામ દીપડા નેશનલ પાર્કમાં ચોક્કસ કયા સ્થળે છે અને શું કરે છે તેની સચોટ માહિતી મળશે. હાલ નેશનલ પાર્કના અધિકારીઓ પ્રાણીઓ- પક્ષીઓની જાણકારી મેળવવા ખાસ પ્રકારના કેમેરાની મદદ લે છે. એસ.જી. એન.પી.માં ૨૦૧૫થી કેમેરાની સુવિધા થઇ છે.
આમ તો દીપડાના દૈનિક જીવનનો અભ્યાસ કરવા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા દરખાસ્ત થઇ હતી. તે દરખાસ્તને મહારાષ્ટ્ર સરકારના વન ખાતાએ ગયા ઓગસ્ટ- ૨૦૧૯માં મંજૂરી આપી હતી. આ અભ્યાસ બે વરસનો છે.
રેડિયો કોલરનું વજન ૫૦૦ ગ્રામ હોય છે. રેડિયો કોલરની કાર્યક્ષમતા લગભગ એક વરસની હોય છે. જો કે નેશનલ પાર્ક આવાં રેડિયો કોલરના અમુક હિસ્સા મળે તેની રાહ જુએ છે. આ હિસ્સા મળી જાય ત્યારબાદ લગભગ આવતા માર્ચમાં પાંચેય દીપડાને રેડિયો કોલર લગાડવાની કામગીરી શરૃ થવાની શક્યતા છે.