થોડા સમય પહેલા રાજકોટ પંથકમાં ચાર સિંહોએ લાંબા સમય સુધી સફર કરી હતી. બાદ વન વિભાગે આ ચારેય સિંહને પકડી ધારી વિસ્તારમાં ફરી વિહરતા કરી દીધા હતા બાદ આ સિંહ જેતપુર પંથકમાં લટાર મારતા હોય તેને પકડી જૂનાગઢ સકકરબાગ ઝુમા પુરી દેવામાં આવ્યા છે તેની સામે સવાલ ઉઠવા પામ્યા છે.
ગ્રામ્ય વિસ્તાર જેતપુર પંથકમાં આઠ સિંહના ધામાથી લોકોમાં ભય ફેલાયો હતો જેથી વનવિભાગે બે દિવસ પહેલા સાત સિંહનો અને એક સિંહને ખારચીયા ગ્રામ્ય પંથકમાંથી પકડી પાડયા હતા. એક પાંચેક વર્ષની સિંહણને રેડીયોકોલર હતો આમ આઠેયને સકકરબાગમાં પાંજરે પુરી દેવાયા છે. કોઇ માનવ હુમલો ન કરવા છતાં કેદ કરાયેલા સિંહોને પાંજરે પુરી ખુદ વન્ય પ્રાણી સંરક્ષણનો ભંગ વન વિભાગે કર્યો છે. જેનો સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગીર ગીરનાર જંગલ આસપાસ રેવન્યુ વિસ્તારમાં વારંવાર સિંહ પરિવાર નીકળી આવે છે. ત્યારે તેને વન ખાતુ ઝુમાં પુરી દેતું નથી. ત્યારે જેતપુર પંથકમાં ખારચીયા ગ્રામ્ય વિસ્તારમાંથી પકડીને જંગલમાં છોડવાના બદલે સકકરબાગ ઝુ જૂનાગઢમાં પાંજરે પુરી દેવાયા છે શા માટે જંગલમાં છોડી મુકવામાં આવ્યા નથી તે સવાલ ઉભા થવા પામ્યો છે. મુકત રીતે વિહરતા સિંહ પોતાની રીતે શિકાર કરી મારણ કરતા હોય છે. તો હવે ઝુમાં તૈયાર ખોરાક લેવાની ટેવ પડી જશે અને શિકાર કરવાનું ભુલી જશે. જેતપુર પંથકમાં કોઇ માનવ પર હુમલો થયો નથી છતાં કેદ શા માટે તે સવાલ ઉભો થયો છે.આ 8 સિંહનું રાજકોટ સામાજિક વનીકરણ વિભાગે રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ તમામ સિંહને હાલ સકકર બાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. અહીંથી ઉચ્ચ અધિકારીની સૂચના બાદ તમામને ફરી જંગલમાં છોડવામાં આવશે.