સાસણ ગીરના જંગલમાં વન્ય પ્રાણી સૃષ્ટીની અભુતપૂર્વ ઘટના સામે આવી છે. જેમાં એક એશિયાટીક સિંહણ પોતાના ત્રણ માસના બચ્ચાની સાથે દીપડાના બચ્ચાનું પણ વાત્સલ્યપૂર્ણ રીતે પાલન પોષણ કરી રહી છે. વન તંત્રના પાંચ છ દિવસના અવલોકન બાદ એશિયાટીક સિંહણનું અનોખુ માતૃત્વ સામે આવ્યું હતું. જોકે આ અભુતપુર્વ અને અસામાન્ય ઘટનાથી વનતંત્રના સ્ટાફમાં પણ આશ્ચર્ય છવાઈ ગયું હતું.

સામાન્ય રીતે જંગલમાં હિસંક પ્રાણીઓમાં દોસ્તી કરતા દુશ્મની વધુ જોવા મળે છે. સિંહ અને દીપડા એક સાથે રહેતા નથી. સિંહ દીપડાને દુશ્મન ગણે છે ગીર જંગલમાં અવાર નવાર સિંહ સિંહણ દીપડાને મોતને ઘાટ ઉતારતા હોવાના બનાવ સામે આવ્યા છે. પરંતુ તાજેતરમાં ગીર પશ્ચિમ જંગલ વિસ્તારમાં એક અભૂતપૂર્વ ઘટના સામે આવી છે. જેમાં એક રક્ષા નામની એશિયાટીક સિંહણ પોતાના ત્રણ માસના બે બચ્ચા સાથે મોગલી નામના દીપડાના બચ્ચાંનો માતા બની વાત્સલ્ય પૂર્વક તેનું પાલન પોષણ કરી એશિયાટીક સિંહણ ઉછેર કરી રહી છે. દીપડાનું એક બચ્ચું એક અઠવાડીયાથી એશિયાટીક સિંહણ સાથે રહે છે. જેની વનવિભાગનો સ્ટાફ દેખરેખ રાખી રહ્યો છે.
આ એશિયાટીક સિંહણ અન્ય પ્રાણીઓથી દીપડાના બચ્ચાનું રક્ષણ કરે છે. એ ઉપરાંત પોતાના બચ્ચાની સાથે તેને પાણી પીવા લઈ જાય છે. અને સ્તન પાન પણ કરાવે છે. આમ આ ઘટનાથી હિંસક ગણાતી એશિયાટીક સિંહણના અનોખા માતૃત્વના દર્શન થયા હતા. આ અંગે વન વિભાગના જણાવ્યા અનુસાર બીટ ગાર્ડ, ફોરેસ્ટર, ટ્રેકર્સના ધ્યાનમાં આ બાબત આવી હતી. અને પાંચ છ દિવસ સુધી તેનું અવલોકન કરી તેનું વિડીયો શુટીંગ તથા ફોટોગ્રાફી કરવામાં આવી હતી.

જેમાં દીપડાનું આ બચ્ચુ જાણે એશિયાટીક સિંહણનું બચ્ચુ હોય તેમ સહજતા પૂર્વક તેના સાથે જોવા મળ્યું છે. વન્ય પ્રાણી સૃષ્ટિની આ અભુત પૂર્વ અને અનોખી ઘટના છે. કારણકે સિંહ અને દીપડા ક્યારેય સાથે રહેતા નથી. વધુમાં તેઓે જણાવ્યું હતું કે દીપડાનું બચ્ચું એશિયાટીક સિંહણ સાથે જ જોવા મળ્યું હતું. આ બચ્ચુ દીપડીથી અલગ થઈ ગયું હોવાનું અથવા તો આ વિસ્તારમાં જ તેની માતા હોય પણ સિંહણના કારણે સામે આવતી ન હોવાની શક્યતા છે.
આ બનાવ પરથી એક કહેવત સાચી પડી છે કે માં તે માં બીજા બધા વગડાના વા એક માં કયારેય કોઈ બાળકને નિરાધર હાલતમાં કયારેય ના જોઈ શકે પછી તે સામાન્ય જીવજંતુ હોય, મનુષ્ય હોય કે હિંસક ગણાતી એશિયાટીક સિંહણ હોય સૌમાં માતૃત્વની ભાવના સરખી હોય છે. આથી જ ઉદાર હદય ધરાવતી એશિયાટીક સિંહણ દીપડાના બચ્ચાની પણ માતા બની તેનું લાલન પાલન કરી રહી છે. આ એક પ્રકૃતિની અનોખી ઘટના છે.