છોટાઉદ્દેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકામાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધી રહી રહ્યો છે. ત્યારે આતંક ફેલાવનાર દીપડાને પાંજરે પુરવા પીંજરૂ મુક્યુ હોવા છતા દીપડો ઝડપાતો નથી પાવીજેતપુર તાલુકાના વાવડી તેમજ બાંડી ગામે આદમખોર દીપડાએ હાહાકાર મચાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બાંડી ગામે સાત વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયા બાદ એક ખેતરમાંથી અઢી વર્ષના બાળકને ઉઠાવીને દીપડો ફરાર થઇ ગયા બાદ તેને ગંભીર હાલતમાં મળી આવી હતી. જો કે તેને હોસ્પિટલમાં લઇ જતા રસ્તામાં બાળકનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતિ મુજબ પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે આદમખોર દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે ત્યારે આ ગામથી ખુબ જ નજીક બાંડી ગામે સાત વર્ષની બાળકી સાંજના સમયે ઘર આંગણે રમતી હતી. ત્યારે એકાએક આદમખોર દીપડાએ ત્રાટકી બાળકીને ગળાના ભાગેથી પકડી લેતા આજુબાજુના લોકોએ બુમાબુમ કરી પથ્થરો મારતા બાળકીને છોડી દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.
આ ઘટના બાદ દીપડો ગામના ખેતરમાં પહોંચ્યો હતો અને એક ખેતરમાં અઢી વર્ષના બાળકને ઉઠાવી જંગલમાં ભાગી ગયો હતો. ખેતરમાં કામ કરતા માતા પિતા સહિત અન્ય લોકોને જાણ થતા તેઓ બાળકને છોડાવવા પાછળ દોડયા હતા. પરંતુ દીપડો બાળકને ઉઠાવી જવામાં સફળ રહ્યો હતો. દરમિયાન માસુમ બાળકને શોધવા માટે ગ્રામજનોએ અનેક ખેતરો તેમજ જંગલમાં તપાસ કરી હતી.
જે ખેતરમાંથી બાળકને ઉઠાવ્યો હતો તેની નજીકના ખેતરમાંથીજ બાળક બેભાન હાલતમાં મળતા તેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઇ જવાતો હતો. ત્યારે રસ્તામાંજ તેનું મોત નિપજ્યું હતું. દીપડાએ વાવડી તેમજ બાંડી ગામે ત્રણ સ્થળે હૂમલો કરતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. વન ખાતા દ્વારા આદમખોર દીપડાને ઝડપી પાડવાના અનેક પ્રયત્નો ધરવા છતાં દીપડો હજું વનવિભાગની પકડથી દુર છે. દીપડાને પાંજરે પુરવા વનવિભાગ સતત પ્રયત્ન કરી રહ્યું છે.