ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહ બાળનું (Lion Cub)મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળ(Lion Cub)નું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તા. 17મી મે 2019ના રોજ કરમદડી રાઉન્ડની હીરાવા બીટમાંથી 6થી 7 મહિનાનું નર સિંહ બાળ(Lion Cub) બીમાર મળ્યું હતું. આ સિંહ બાળને લકવા જેવી બીમારી હતી. તેમજ નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા આ સિંહ બાળ(Lion Cub)ની નર્વસ સિસ્ટમની સારવાર ચાલી રહી હતી. જો કે, આંબરડી પાર્ક ખાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ત્યારે વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળ(Lion Cub)નાં મૃતદેહમાંથી જરૂરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા આવ્યા છે અને પોસ્ટ મોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગીર જંગલની દરખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં આવેલી સરસીયા વીડીમાં એક સાથે 30થી વધુ સિંહોના મોત નિપજ્યા હતા. વન વિભાગે જણાવ્યું હતું કે, આ સિંહોના મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનાં કારણે થયા હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે અને સિંહો સલામત છે પણ સિંહોના મોતનાં સમાચાર સતત આવતા જ રહે છે. જેના કારણે વન્યપ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.