ભારત સરકારના પર્યટન પર્વ હેઠળ કરાયું આયોજન
ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આંતરદેશીય પ્રવાસનને વેગ આપવા પર્યટન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
તેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના સહયોગથી અકોટા વિસ્તારના સયાજીનગર ગૃહ પાસે આવેલા મેદાનમાં ક્રાફ્ટ મેળાની બાજુમાં ગુજરાતની સમૃદ્ધ વન્યજીવન સંપદાની ઝાંખી કરાવતું દર્શનીય પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં ગુજરાતની આગવી વિશેષતા જેવા ગિરના સિંહ, કચ્છના નાના રણના ઘુડખર સહિત વિવિધ વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો ઇત્યાદીના પ્રાકૃતીક પરિવેશમાં આબેહુબ મોડેલ્સ અને જાણીતા છબીકારોની તસવીરો દ્વારા ગુજરાતની અદભૂત અને આકર્ષક વન્ય જીવસૃષ્ટિને જાણવા, માણવા અનેસમજવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાસ કરીને શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, તેમના વિદ્યાર્થીઓને આ પ્રદર્શન બતાવે એવો અનુરોધ ટીસીજીએલના અધિકારી એન્થોનીએ કર્યો છે. આ પ્રદર્શન તા.27 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે અને લોકો વિનામૂલ્યે સવારના 10.00 થી સાંજના 6.00 કલાકના સમય દરમિયાન આ પ્રદર્શન જોઇ અને નિહાળી શકશે.