હવે શ્વાનો પણ માણશે લક્ઝરીયસ લાઈફ,આ પાર્કમાં કૂતરાઓ માટે બધા પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
તેલંગાણાના હૈદરાબાદમાં શ્વાનો માટે એક વિશેષ ‘ડોગ પાર્ક’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં શ્વાનો માટે તમામ પ્રકારની સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. બૃહદ હૈદરાબાદ નગર નિગમ દ્વારા કોંડાપુરમાં 1.1 કરોડ રૂપિયાના ખર્ચે 1.3 એકર જમીન પર આ પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં શ્વાનો માટે વોકિંગ ટ્રેક તથા ક્લિનિકની સુવિધાઓ પણ આપવામાં આવી છે.

GHMCના જોનલ આયુક્ત ડી હરિચંદનાએ જણાવ્યું કે અહીં શ્વાનોને તાલીમ આપવાના ઉપકરણો, કસરત માટેના સાધનો જેવી વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ પાર્ક દેશનો પ્રથમ ‘ડોગ પાર્ક’ છે. અહીં શ્વાનને લાગતી તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યાં આ પાર્ક બનાવવામાં આવ્યો છે, ત્યાં અગાઉ કચરો નાખવાની જગ્યા હતી.
હરિચંદનાએ વધુમાં જણાવ્યું કે, તેમણે આ પ્રકારના ‘ડોગ પાર્ક’ અન્ય દેશોમાં પણ જોયા હતા. આથી તેમને વિચાર આવ્યો કે આવો પાર્ક આપણા દેશમાં કેમ નથી? આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, લોકો પોતાના શ્વાનને અહીં લાવી શકે છે. આ સાથે જ પાર્કમાં જે સુવિધાઓ આપવામાં આવી છે, તેનો લાભ પણ લઇ શકે છે. આ પાર્કનું લોકાર્પણ આગામી 10 દિવસોમાં કરવામાં આવશે.