એક મહિનાથી વૈજ્ઞાનિકોની ટુકડી પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં મળતા સમુદ્રી જીવોનું અધ્યયન કરી રહી હતી.
દરિયાઈ જીવસૃષ્ટિ અનોખી છે. જેમ જેમ દરિયાના ઊંડાણમાં જાવ તેમ તેમ ભાતભાતના જીવ જાેવા મળે છે. દરિયાઈ જીવસૃષ્ટિ અંગે હજુ પણ ઘણી શોધ થઈ રહી છે. જે દરમિયાન સમુદ્રમાં પારદર્શક શરીર ધરાવતા અનેક જીવ સામે આવ્યા છે. તો ચાલો દરિયાના પેટાળમાં રહેલા આ આશ્ચર્યજનક ખજાના અંગે જાણકારી મેળવીએ. છેલ્લા એક મહિનાથી વૈજ્ઞાનિકોની ટુકડી પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં મળતા સમુદ્રી જીવોનું અધ્યયન કરી રહી હતી. આ દરમિયાન કીરીબાતી નજીક આવેલા ફિનિક્સ ટાપુના કાંઠાળા વિસ્તારમાં વિચિત્ર પ્રકારનો ઓક્ટોપાસ મળી આવ્યો હતો. જેની ત્વચા પારદર્શક હતી.
આ દુર્લભ ઓક્ટોપસના શરીરની અંદરના અંગ અને પાચનતંત્ર સુધી આરપાર જાેઇ શકાતું હતું. આવા જીવને ગ્લાસ ઓક્ટોપસ તરીકે ઓળખવામાં આવે છે. આવા તો ઘણા જીવ સમુદ્રમાં છે, જેને દુર્લભ ગણાય છે. તાજેતરમાં પ્રશાંત મહાસાગરના અત્યંત ઊંડાણમાં એક દુર્લભ જીવ મળી આવ્યો હતો. જેને વૈજ્ઞાનિક ભાષામાં VITRELEDONELLA RICHARDI તરીકે ઓળખવામાં આવે છે. અલબત્ત, સામાન્ય ભાષામાં ગ્લાસ ઓક્ટોપસ કહેવાય છે. તેમની આંખો અન્ય સમુદ્રી જીવો કરતા અલગ, લંબચોરસ હોય છે. 18 ઇંચ જેટલા લાંબા આ ઓક્ટોપસનું શરીર પારદર્શક હોય છે. અલબત્ત, તેનું પાચન તંત્ર અને આંખો જાેઈ શકાય છે. જાે શિકારીના હુમલાથી બચી શકવું મુશ્કેલ હોય તો ગ્લાસ ઓક્ટોપસ પોતાની આંખો લાંબી કરી દે છે. જેનાથી પ્રકાશ પરાવર્તિત થઈ જાય અને તે બચી જાય છે. પૃથ્વી પર કેટલાક જીવ પોતાનો રંગ બદલી શકે છે. આવી જ રીતે સમુદ્રમાં પણ કેટલાક જીવ પારદર્શક બની જાય છે.
સામાન્ય રીતે સમુદ્રી જીવો પાસે શિકાર કરવા અથવા શિકાર થવાથી બચવા માટે બે પદ્ધતિ હોય છે. તેઓ પોતાની જાતને આસપાસના વાતાવરણ મુજબ બદલી નાખે છે. પથ્થર વચ્ચે રહેનારો જીવ પથ્થર જેવો અથવા લીલા ઘાસ વચ્ચે રહેનારો જીવ તે કલર જેવો થઈ જાય છે. કેટલાક જીવો અલગ જ પદ્ધતિને અપનાવે છે. તેમના શરીરમાંથી પ્રકાશ પરાવર્તિત થઈ જાય છે. તેઓ પારદર્શક બની જાય છે. આવી રીતે તેઓ શિકાર થવાથી બચી જાય છે. સમુદ્રમાં મળી આવતી સી વોલ્ટન નામની પ્રજાતી પણ પારદર્શક હોય છે. તેમની આંખો કે મગજ હોતું નથી. આ જીવ ધીમે ધીમે ચાલે અથવા તરે છે. તેની ગતિ એટલી ધીમી હોય છે કે, ઘણી વખત તે મૃત હોય તેવો ભાસ થાય છે.