HomeWildlife Specialગીર રેન્જ અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં 5 એશિયાટીક સિંહોના શંકાસ્પદ મોત?

ગીર રેન્જ અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં 5 એશિયાટીક સિંહોના શંકાસ્પદ મોત?

વર્ષ 2018 બાદ ફરી વખત સિંહો પર મંડરાઈ શકે છે શંકાસ્પદ બિમારીનો ખતરો

ગીરના એશિયાટિક સિંહો પર વર્ષ 2018 બાદ ફરી એક વખત ગંભીર વાઇરસ કે બિમારીનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગીર પૂર્વ, પશ્ચિમ અને બૃહદ ગીર વિસ્તારમાં પાછલા 15 દિવસમાં 5 એશિયાટિક સિંહોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. વન વિભાગે મૃતક સિંહોના નમૂનાઓ વધુ કેટલાક પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, પરંતુ કેટલાક એશિયાટિક સિંહ પ્રેમીઓ સિંહણનું મોત ઈતડી દ્વારા ફેલાતા બબેસિઓસિસ નામક રોગથી થયું હોવાનું જણાવી રહ્યા છે. જોકે, શંકાસ્પદ રીતે મોત પામેલા આ સિંહોની મોત પાછળનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

વર્ષ 2018માં ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં 50 કરતાં વધુ એશિયાટિક સિંહોના એક જૂથ પર કેનાઈન ડીસ્ટેમ્પર વાઇરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. જેમાં 30થી વધુ સિંહોના મોત થયા હતા. જ્યારે અન્ય 31 એશિયાટિક સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. આ સેન્ટર પર દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશના વિશેષ પશુ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ વાઇરસ કાબૂમાં ન આવતાં અંતે કેન્દ્ર અને રાજ્ય સરકારે અમેરિકાના પશુ નિષ્ણાંત વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. વેક્સિનેશન અને યોગ્ય સારવાર બાદ તમામ 31 એશિયાટિક સિંહો રોગમુક્ત થઈ ગયા હતા.

શું છે બબેસિઓસિસ ?

બબેસિઓસિસએ પશુઓમાં થતો રોગ છે. જે બબેસિયા નામક એક કોષીય જીવોના સંક્રમણથી પ્રસરે છે. બબેસિઓસિસ એ દૂધાળા પશુઓમાં ટ્રાઈપેનોસોમ બાદ સૌથી વધુ જોવા મળતો રોગ છે. માણસોમાં તે જવલ્લે જ જોવા મળે છે. બબેસિયા પ્રજાતિના એક કોષીય જીવો પશુઓમાં ઈતડી મારફતે પ્રવેશે છે. જ્યારબાદ તે રક્તકણોમાં પ્રવેશીને પોતાની સંખ્યા વધારે છે. જેના કારણે પશુઓની રક્ત કોશિકાઓ નષ્ટ પામે છે. લોહીની ઉણપ થવાથી પશુઓમાં અશક્તિ તેમજ કમળાની પણ અસર જોવા મળે છે અને યોગ્ય સારવારના અભાવે પશુઓના મોત પણ થઈ શકે છે.

ગીરના એશિયાટિક સિંહોમાં કઈ રીતે પ્રસરી શકે છે બબેસિઓસિસ ?

ગીરમાં થયેલા 5 એશિયાટિક સિંહોના શંકાસ્પદ મોત પૈકી મોટાભાગના મોચ રેવન્યુ વિસ્તારમાં નોંધાયા છે. આ વિસ્તારમાં માલધારીઓ પોતાના પશુધનને ચરાવતા હોય છે. તદુપરાંત છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં એશિયાટિક સિંહોની પણ હલનચલન જોવા મળી છે. ત્યારે આ પશુઓમાં બબેસિઓસિસ રોગ હોવાનું અને રોગથી પીડિત પશુઓનું મારણ કર્યા બાદ એશિયાટિક સિંહોમાં પણ આ રોગ પ્રસર્યો હોવાની શંકા નકારી શકાય તેમ નથી. હાલમાં આ જ પ્રબળ શક્યતા છે. જોકે, સત્ય તો પૃથક્કરણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

- Advertisment -