HomeWild Life Newsઅહિંયા મકાનમાં ઘુસી ગયેલા દિપડાને પકડવા વન વિભાગે 7 કલાકની જહેમત ઉઠાવી...

અહિંયા મકાનમાં ઘુસી ગયેલા દિપડાને પકડવા વન વિભાગે 7 કલાકની જહેમત ઉઠાવી પડી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામના એક રહેણાંક મકાન ની બાજુમાં ઢોરઢાંખર બાંધવા માટે બનાવવામાં આવેલા મકાનમાં દિપડો ઘુસી ગયો હતો. પ્રથમ તો મકાનમાલિક દ્વારા અન્ય કોઈ પ્રાણી આવી ગયું હોવાનું અનુમાન લાગવવામાં આવ્યું હતું બાદમાં મકાનમાં ઘુસી ગયેલા મકાનમાં દિપડાએ ત્રાડ નાંખતા મકાન માલિક સહિત સ્થાનિક લોકો ભયભીત બન્યા હતા.

સ્થાનિકો દ્વારા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા ગોધરા રેન્જના વન વિભાગની ટીમ તેમજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી દિપડો ઘરમાંથી બહાર આવી હુમલો ન કરે તે માટેના તમામ પ્રાથમિક પગલાં લીધા હતા જેના ભાગરૂપે મકાનમાં અવરજવર માટે રાખવામાં આવેલ તમામ દરવાજાને બંધ કરી એક દરવાજા પર પાંજરું મૂકી દિપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગોધરા વન વિભાગ દ્વારા દાહોદના દેવગઢ બારીયાની દિપડાનું રેસ્ક્યુ કરતી ટીમની મદદ લેવાઈ હતી. બન્ને ટીમો તેમજ સ્થાનિક પશુપાલન વિભાગના તબીબોની સંયુક્ત ટીમ દ્વારા દિપડાને બેભાન કરીને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

દિપડાને બેભાન કરવા માટે પ્રથમ બે વખત ટ્રેનક્યુલાઈઝર ગનની મદદથી મુકવામાં આવેલ ઈન્જેકશન નિષ્ફળ રહ્યા હતા બાદમાં ત્રીજા પ્રયત્ને દિપડો બેભાન થયો હતો. બેભાન થયેલા દિપડાને વન વિભાગ દ્વારા પાંજરામાં ખસેડવામાં આવ્યો હતો. આમ 7 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ વન વિભાગને દીપડાને પકડવામાં સફળતા મળી હતી. દિપડાને ઘરની બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનના પગલે સ્થાનિકોને 7 કલાકથી વધુ સમય સુધી ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. ભારે મસક્ત બાદ દિપડોને પકડવામાં સફળતા મળતા સ્થાનિકો સહિત વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા ઘરમાં ઘૂસી ગયેલા દિપડાને રેક્સ્યુ ઓપરેશન કરી બહાર કાઢીને હાલોલના ધોબીકુવા ખાતે આવેલા દિપડા રેક્સ્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો.

વહેલી સવારે એક દીપડાએ રહેણાંક વિસ્તાર ના એક મકાન માં ડેરો જમાવતા આસપાસ ના વિસ્તાર માં એક પ્રકારે દેહશતનો માહોલ જોવા મળ્યો હતો દીપડાને પાંજરે પુરવાની સમગ્ર કામગીરી સમય દરમિયાન એક રીતે સ્થાનિક રહીશોને પોતાના ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો જોકે રાહત ની વાત એ છે કે દીપડાએ માનવ વસ્તી ધરાવતા આ ગામ માં કોઈ પશુ કે માનવ પર હુમલાનો પ્રયાસ કર્યો નથી

- Advertisment -