HomeWildlife Specialઅનમોલ ગુજરાતીઓ: હિતાર્થ પંડ્યાના વન્ડર કીડ્સ- જાણો આ અદભૂત બાળ પક્ષીવિદો વિશે

અનમોલ ગુજરાતીઓ: હિતાર્થ પંડ્યાના વન્ડર કીડ્સ- જાણો આ અદભૂત બાળ પક્ષીવિદો વિશે

સામાન્ય પરિવારના આ બાળકો અવનવા પક્ષીઓને ઓળખે છે અને સંખ્યાબંધ પક્ષીઓના અંગ્રેજી ગુજરાતી નામ એમની જીભના ટેરવે છે.

વડોદરા અને ગુજરાત માટે હિતાર્થ પંડ્યાનું નામ અજાણ્યું નથી. એ ખૂબ કસાયેલા અને વ્યાપક અનુભવથી ઘડાયેલા પત્રકારિતાના નીવડેલા અધ્યાપક છે.એમની પત્રકારિતા એક ધ્યેય આધારિત હતી અને આજે એમનું જીવન પત્રકારિતાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણના પ્રયોગો અને શિક્ષણને સમર્પિત છે.તેઓ કોરું,પુસ્તકિયું શિક્ષણ નથી આપતાં,જાતે પ્રયોગ કરે છે, સમજે છે,ઊંડાણમાં ઉતરે છે અને પછી ગુરૂપણાના ભાર વગર સિદ્ધાંતોને અનુભવ સાથે જોડીને શિક્ષણ આપે છે.

Social Media

પર્યાવરણ પ્રત્યે એમનો લગાવ એટલો છે કે પત્રકારિતાનું શિક્ષણ એમનો ગૌણ વ્યવસાય, કંઇક અંશે રોજી રોટીની સુનિશ્ચિતતા માટેનું માધ્યમ બની ગયો છે.વૃક્ષ,વનરાજી અને પક્ષીઓ, જીવમાત્ર સાથે એમને એટલો લગાવ થઈ ગયો છે કે ઝાડના થડ પર ક્યાંક કુહાડી ઝીંકાય તો એમના હૃદયમાંથી વેદનાની રક્તધારા વહી નીકળે છે.

Social Media

આવા આ પ્રકૃતિ ચાહક પંડ્યાએ ભાયલી ગામને પર્યાવરણ સંરક્ષણની પ્રયોગભૂમિ બનાવ્યું છે.ત્યાંના વણકરવાસના બહુધા સાધન સુવિધા વગરના પરિવારોના બાળકોને તેમણે પર્યાવરણના ચાહક સૈનિકો તરીકે ઘડ્યા છે. તેમણે આ બાળકોની શક્તિઓનો વિનિયોગ કરીને એક મરવા પડેલા,ગામના કચરાનું ગોદામ બની ગયેલા તળાવને નવેસરથી સજીવ કર્યું છે અને આ બાળ દોસ્તોમાં આ તળાવના કાંઠે પક્ષી નિરીક્ષણની ટેવ પાડી છે.

Social Media

આજે એ બાળકો પૈકીના 10 જેટલાં બાળકો તો પક્ષીઓને પરખનારા વન્ડર કિડ્સ – અદભૂત બાળ પક્ષીવિદો બની ગયા છે પક્ષીઓના અંગ્રેજી અને ગુજરાતી નામ આ લોકોને માત્ર માટે કંઠસ્થ નથી થઈ ગયા,તેઓ એક મિત્રને ઓળખે એટલી સાહજિકતાથી આ પક્ષીઓને ઓળખે છે.

Social Media

આ પૈકીની માન્યા કક્કાની જેમ કે આંકના ઘડિયાની જેમ કડકડાટ 50 થી વધુ પક્ષીઓના અંગ્રેજી અને ગુજરાતી નામ બોલી શકે છે.તમે અંગ્રેજીમાં પક્ષીનું નામ બોલો એટલે આ ચબરાક દીકરી ઘડીભરમાં એનું ગુજરાતી નામ જણાવી દે છે.આ બાળકો પાસે પક્ષી નિરીક્ષણ માટે દૂરબીન નથી કે નથી સારા લેન્સવાળા કેમેરા.તેઓ પાસે ગુજરાતના જાણીતા પક્ષીતીર્થો સુધી પહોંચીને પક્ષીઓનું નિરીક્ષણ કરવાના નાણાં પણ નથી.છતાં તેઓ જાણીતા વેટ લેન્ડસ ( કળન ભૂમિ) અને પ્રદેશ પ્રદેશના પક્ષીઓ, યાયાવરોની જાણકારી ધરાવે છે.તાજેતરમાં આ બાળકોને પંડ્યાજીએ એક પક્ષી ગણતરીમાં પણ જોડ્યા હતા.

Social Media

તેમના જીવનસાથી કૃતિ પંડ્યા અને તેમના સંતાનો પ્રકૃતિના જતન અને શિક્ષણના તેમના આ અભિયાનમાં સહયોગી સૈનિક બની રહ્યાં છે.આ લોકોએ સાથે મળીને ઘરની આસપાસ એવું તો જંગલ ઉછેર્યું છે કે ગૂગલ મેપમાં એમનું ઘર હરિયાળા ટપકાં જેવું દેખાય છે.તેમની પર્યાવરણ દૂરંદેશીનો લાભ નવરચના યુનિવર્સિટીના પરિસરના પર્યાવરણની જાળવણીમાં પણ મળી રહ્યો છે.

Social Media

તેમણે અંગ્રેજી માધ્યમની શાળામાં એક સાથીની મદદથી નાનકડું ખેતર બનાવીને બાળકોને ફૂલ છોડ, શાકભાજી અને ખાદ્યાન્ન આપતી વનસ્પતિઓને ઓળખતા કરવાનો અદભૂત બલ્કે હટકે પ્રયોગ પણ કર્યો છે અને નિષ્ણાત ફોટોગ્રાફરોને બોલાવી સેવા વસ્તીના બાળકોને બર્ડ ફોટોગ્રાફી કરતા પણ શીખવ્યું છે.

Social Media

પર્યાવરણ પ્રત્યેનું સમર્પણ કેવું અદભૂત પરિણામ આપી શકે તેની અનુભૂતિ હિતાર્થભાઇના આ પ્રકૃતિ પ્રેમી બાળ પક્ષીવિદો કરાવે છે. સલામ છે આ કર્મનિષ્ઠ પર્યાવરણ શિક્ષક અને એમના પ્રકૃતિ સંસ્કાર સિંચિત બાળકોને.

- Advertisment -