ગીર જંગલમાં સિંહોની સંખ્યા જેટલી ઝડપથી વધે છે એટલી જ ઝડપથી ઘટી પણ રહી છે. ત્રણ દિવસમાં 03 સિંહોના મોત અને દસ દિવસમાં 11 સિંહોના મોત થતા વન્યપ્રેમીઓ અને પ્રવાસીઓમાં માં ચિંતા ફેલાઈ ગઈ છે. વન વિભાગની કામગીરી અને સરકાર તરફ શંકાની નજરે સૌ કોઈ જોઈ રહ્યા છે. સ્વાભાવિક છે આધુનિક ટેક્નોલોજી અને ઉત્તમ સુવિધાથી સંરક્ષણ આપવાની વન વિભાગ ની કામગીરી પ્રશંશનિય રહી છે. છતાં સિંહોના મૃત્યુ થતા હોય તો સિંહોના અસ્તિત્વ પર જોખમ વધતું રહ્યા હોવાની લાગણી વન્યપ્રેમીઓને થાય સ્વાભાવિક છે.
ગીર જંગલમાં હાલ 600 થી વધુ સિંહ છે જેની સામે દર વર્ષે સરેરાશ 60 સિંહોના મૃત્યુ થતા હોય છે. જેમાંથી 40 જેટલા કુદરતી હોય છે. અને અન્ય માનવ દખલગીરીને કારણે સિંહ મોતને ભેટે છે. જેમાં ખાસ કરીને ખેતરોમાં લગાવેલ ઇલેક્ટ્રિક તારનીવાડમાં શોટ સર્કિટ, ખુલ્લા કુવામાં પડી જતા, રેલ ટ્રેક પર કે રસ્તાઓ પાર કરતા, નદીમાં પડી જતા જેવા અન્ય કારણસર સિંહો અકાળે મોતને ભેટે છે. હાલમાં જે ત્રણ દિવસમાં ત્રણ ત્રણ સિંહોના મોત થયા તેમાં હાલના તબક્કે કુદરતી મોત માનવામાં આવી રહ્યું છે.
સિંહોના પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ જાણવા મળશે એમ વન વિભાગ જણાવી રહ્યું છે. પરંતુ મોત કુદરતી કે અકુદરતી સવાલ એ નથી સવાલ એ છે કે સિંહોના સંરક્ષણ પાછળ કરોડો ખર્ચ કરવા છતાં સિંહોની દુર્દશા દિન બ દિન બગડતી જાય છે. વનનો રાજા કોથળામાં મૃત અવસ્થામાં મળી આવે છે. મરઘી કાંડ ની કિસ્સો કેમ ભુલાય ? તેમ છતાં તંત્ર સાબદું બનતું નથી કોઈ ઠોસ કાર્યવાહી કરતું નથી. રાજકીય નેતાઓ ખુદ આવીને કહે છે કે હવે કાનૂન કડક બન્યા છે. વનરાજ ને કનડગત કરનાર ને આકરી સજા થશે, પરંતુ તેમ છતાં ગુના ઘટવાના બદલે વધી રહ્યા છે. આ જ નરી વાસ્તવિકતા સરકારે અને વન વિભાગે સ્વીકારવી જ રહી.
વન્યપ્રેમીઓ અને સૌ કોઈ અત્યારે એક જ સવાલ કરી રહ્યા છે. કે ત્રણ ત્રણ સિંહોના મોત થયા છતાં કેમ સરકારની આંખ ઉઘડતી નથી. સવાલ એ થાય કે સરકાર એક તરફ સિંહોના સંરક્ષણ માટે કરોડો ખર્ચ કરે છે. અતિ આધુનિક ટેક્નોલીજીથી સિંહો પર દેખરેખ રાખે છે છતાં સિંહો શહેરો તરફ કે આસપાસના ગામો સુધી કેમ પહુંચે છે ? કેમ વન વિભાગ સિંહોના લોકેશન થી તેમને બચાવી નથી શકતું? કેમ જંગલોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને સિંહ દર્શન થતા રહે છે ? જેવા અનેક સવાલો વિચારવા માટે મજબુર કરે છે કે શું ખરેખર ગુજરાતનું ગૌરવ જંગલમાં સુરક્ષિત છે ?
ધારીના દલખાણીયા રેન્જ માં એક જ વિસ્તારમાં 11 સિંહોના મોત ગીરના પૂર્વ ભાગમાં આવેલ દલાખણિયા રેન્જ કે જ્યાં સૌથી વધુ સિંહોનો વસવાટ અને સંખ્યા છે. ત્યાં છેલ્લા દસ દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. અને એ પણ બધા 1 વર્ષ થી લઇ 3 વર્ષ સુધીના સિંહોના સિંહોનું સરેરાશ આયુષ્ય 14 થી 16 વર્ષ હોય છે.જો 11 સિંહોના કુદરતી મોત થયા હોય તો આયુષ્યના આધારે નથી થયા એ સમજી શકાય છે. તો પછી ક્યાં કારણોસર થયા એટલા મોટી સંખ્યામાં મોત ? આવા તો કેટલાય સવાલો વન્યપ્રેમીઓમાં ઉઠી રહ્યા છે.
જોકે આ ઘટના બાદ www.wildstreakofnature.com પણ કેટલાક સવાલો પુછી રહ્યું છે.
– સિંહોના મૃત્યુ પાછળના સાચા કારણો ક્યાં છે ?
– કેમ વનવિભાગ પોતે જ સિંહોના મૃત્યુ અંગે સતાવાર જાહેર નથી કરતું ?
– શા માટે વન વિભાગ આ અંગે મૌન સેવી રહ્યું છે ?
– શા માટે સિંહોના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર નથી કરાતું ?
– સિંહબાળથી લઇ માદા સિંહ અને નર સિંહના મૃતદેહો કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવ્યા છે.
તો શું જંગલમાં સિંહોના લોકેશન પર નજર રાખનાર ને સિંહોના મૃત્યુ થી લઇ મૃતદેહ કોહવાઈ જાય ત્યાં સુધી વનવિભાગને ખબર ન પડે ?
– કુદરતી હોય કે અકસ્માતથી પણ સિંહોના મુર્ત્યું થયા છે. અને એ વાસ્તવિકતા હોવા છતાં કેમ તંત્ર સાવધ નથી થયું ?
– જો આ કુદરતી જ મૃત્યુ હોય તો કોઈ એક જ રેન્જ (દલખણીયા, ધારી ) રેન્જમાં જ શા માટે એક સાથે આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુ સંભવ હોય શકે? ગીરના અન્ય વિસ્તારમાં કેમ કુદરતની અસર નથી ?
– શું કોઈ રોગના કારણે આટલા સિંહોના મૃત્યુ થયા છે. અને તંત્ર મૌન સેવી રહ્યું છે ટપાટપ સિંહોના મૃત્યુ થયા તેમ છતાં વન વિભાગ અધિકારી કે વનપ્રધાન આ અંગે તપાસ પણ ન કરે ?
– વન્યપ્રેમીઓના મનમાં સળગતા આ સવાલો વનરાજાની ચિંતાના છે. જે વનરાજ આપણા દેશનું ગર્વ છે તેના અસ્તિત્વ પર સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ જવાબદારી સ્વીકારવા કેમ તૈયાર નથી ?
ગુજરાત હાઈ કોર્ટે ગત વર્ષે ગુજરાત સરકારને સુઓમોટો પિટિશન કરી હતી. અને બે વર્ષમાં 184 સિંહોના મૃત્યુ ગુજરાત સરકારની આ અંગે આકરી ઝાટકણી કાઢી હતી. તેમ છત્તા 2018 માં પણ એ જ હાલ છે. સરકારને ન્યાયાલયનો પણ ડર નથી રહ્યો ? સરકારે ત્યારે પણ સ્વીકાર્યું હતું કે અકસ્માતથી ગીરમાં સિંહોના વધુ મોત થઇ રહ્યા છે. તેમ છતાં કેમ કોઈ નક્કર પગલા લેવામાં નથી આવ્યા ?
એક તરફ વન્યપ્રેમીઓના આ સવાલો છે તો બીજી તરફ વન વિભાગ અધિકારીઓ કહી રહ્યા છે. કે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. વન્યકર્મી અને સંરક્ષક સતર્ક છે. સિંહોના મૃત્યુ કુદરતી રીતે જ થયા છે. ઇનફાઇટ જેવા કિસ્સામાં સિંહોના મૃત્યુ સ્વાભાવિક છે તેમ છતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ચોક્કસ પગલાં લઇ શકાય.
આ પહેલા જુલાઈ માસમાં સિંહોને કનડગત કરતા વાયરલ વિડિયોએ સાસણ ગીરની ગરિમા ઘમરોળી નાખી હતી. તેવામાં ફરી એક વખત સિંહોના મૃત્યુની આ સંખ્યા જોતા સિંહોના અસ્તિત્વ પાર મોટો સવાલ ઉભો થયો છે.
હાલ ગીર સાસણ ના 1412 કિમિ ના વિસ્તારમાં 600 જેટલા સિંહો છે. જેની સંખ્યા હજુ પણ 50 જેટલી આ વર્ષે જ વધશે એવી સંભાવના છે. પરંતુ સામે સિંહોના વધતા જતા મૃત્યુના કારણે ખુશી મનાવવી કે દુઃખ એ વન્યપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.
એશિયાટિક લાયન દુનિયાભરમાં માત્ર સાસણ ગીર માં જ જોવા મળે છે. અને લુપ્ત થઇ રહેલી આ પ્રજાતિ ને જાળવવા આપણે સૌ એ પ્રયત્નો કરવો જોઈએ અને સિંહોની સુરક્ષા અને સંરક્ષણ માટે સિંહોની ગરિમા જાળવવા આપણે જ આગળ આવું જોઈએ તો જ કદાચ આવનારી પેઢી જંગલના રાજાને ચોરડીમાં નહિ ખરા અર્થમાં તેના ઘર એટલે કે જંગલમાં મુક્ત પણે જોઈ શકે.
http://wildstreakofnature.com/gu/asiatic-lion/