રોજ રાત્રે દીપડો વાડીમાં બાંધેલા ઘોડાની બાજુમાં બેસી રહે છે
વડોદરા શહેર નજીક આવેલા વિરોદ ગામની સીમમાં દીપડો દેખા દેતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવી દીપડાને પકડી પાડવા ની તૈયારી હાથ ધરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે, આ દીપડાને ગામના એક ઘોડા સાથે મિત્રતા થઇ હોય તેમ રોજ રાત્રે ઘોડા ની બાજુમાં આવીને બેસી જાય છે.
મળતી માહિતી મુજબ વડોદરા તાલુકાના વિરોદ ગામે ગ્રામજનો દ્વારા છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડો હોવાનો આભાસ થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જ્યારે વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની મદદ લઇ દીપડાની ભાડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
રાત્રિના સમયે રેસ્ક્યુ ટીમ દ્વારા વોચ રાખતા ખેતરમાં બાંધેલા એક ઘોડા ની બાજુમાં દિપડો જોવા મળ્યો હતો. વિરોદ ગામમાં ચિરાગભાઈ પટેલની વાડીમાં દીપડાની સતત અવરજવર દેખાતા ગ્રામજનો ચિંતિત થયા હતા. જોકે નવાઇની વાત તો એ છે કે વાડીમાં બાંધેલા ઘોડા ની બાજુમાં રોજ દીપડો આવી ને રાત્રે બેસે છે પરંતુ ઘોડાનો મારણ કરતો નથી.
જ્યારે આ દીપડો દોઢથી બે વર્ષનો હોવાનો અને માતાથી વિખૂટા પડી આસપાસની અવાવરી જગ્યા છે તેમજ કોતરોમાં કરતો હોવાનો પ્રાથમિક તારણ જાણવા મળ્યું છ. તે અરસામાં હૂંફ મેળવવા દિપડો વાડીમાં બાંધેલા ઘોડાની પાસે જઇને બેસતો હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે રેસ્ક્યુ ટીમની મદદથી વિરોદ ગામમાં પિંજરા ગોઠવી દઈ દીપડાને પકડી પાડવાના પ્રયત્નો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.