મહિલા સશક્તિકરણ માં સામાજિક વનીકરણ વિભાગ વડોદરાનું યોગદાન
મમતામયી માતા તરીકે ઉછેર ની કુશળતા મહિલા સમુદાય ને ગળથુંથી માં મળી હોય છે. એ બાળક ના ઉછેર જેટલી જ કુશળતા અને દરકાર થી રોપા ઉછેર કરી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્યના વન વિભાગે સામાજિક વનીકરણ વિભાગના માધ્યમ થી મહિલાઓ દ્વારા રોપા ઉછેર ને વેગ આપવા કિસાન પરિવારો ની મહિલાઓ માટે નર્સરી ઉછેર ની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ મહિલા સશક્તિકરણ માં નક્કર યોગદાન ના રૂપમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ વડોદરા જિલ્લામાં 99 જેટલી મહિલાઓ પાસે 19.20 લાખ જેટલાં અને છોટાઉદેપુર જિલ્લામાં 53 જેટલી મહિલાઓ પાસે 8.70 લાખ જેટલાં રોપાઓ નો વિકેન્દ્રિત કિસાન નર્સરી ના અભિગમ હેઠળ ઉછેર કરાવી ને, વ્યક્તિગત લાભાર્થી મહિલાઓ અને મહિલા જૂથોની સદસ્યાઓ ને પૂરક રોજગારી આપી છે.
મહિલા સશક્તિકરણ માં અનોખું યોગદાન આપ્યું છે.
Social Mediaજે કર ઝુલાવે પારણું એ એટલી જ કુશળતા થી રોપા ઉછેરી શકે એ નર્સરી ની કામગીરી સાથે જોડાયેલી મહિલાઓ એ પુરવાર કર્યું છે એવી લાગણી વ્યક્ત કરતાં સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા એ જણાવ્યું કે વિકેન્દ્રિત નર્સરી ઉછેર ના અભિગમ હેઠળ કોમ્યુનિટી ફોરેસ્ટ્રી પ્રોજેક્ટ (સી.એફ.પી.),શિડ્યુલ કાસ્ટ ખાસ નર્સરી પ્રોજેક્ટ(એસ.સી.પી.) અને અનુસૂચિત જાતિ મહિલા સ્વસહાયતા જૂથ (એસ.એચ.જી./એસ.સી.ગ્રુપ) હેઠળ કિસાન પરિવારો ની મહિલાઓ પાસે સ્થાનિક માંગ પ્રમાણેના વિવિધ પ્રકારના રોપાઓ નો ઉછેર કરાવવામાં આવે છે જે તેમને વધારાની પૂરક રોજગારી આપીને આર્થિક મજબૂતી આપે છે.
આ યોજનાઓ હેઠળ અરજી કરનારી ખેડૂત પરિવારોની મહિલાઓ ને તેમની પાસે જમીન અને પાણીની ઉપલબ્ધિ અનુસાર 5 થી 25 હજાર રોપાઓ સુધીની નર્સરી ફાળવીને રોપા ઉછેર કરાવવામાં આવે છે.રોપા ઉછેર સફળતા સાથે થઈ શકે તે માટે વન વિભાગના ફોરેસ્ટર અને ગાર્ડ આ મહિલાઓ ને જરૂરી ટેકનિકલ ગાઇડન્સ અને સ્થાનિક માંગ અનુસાર કઈ પ્રજાતિઓના રોપા ઉછેરવા તેનું માર્ગદર્શન આપે છે.
વડોદરા જિલ્લામાં 99 જેટલી મહિલાઓ પાસે 19.20 લાખ જેટલાં રોપાઓનો ઉછેર
Social Mediaનર્સરી શરૂ કરવી,લક્ષ્યાંક અને પ્રજાતિ પ્રમાણે રોપા ઉછેરવા અને ચોમાસાં પહેલા લોકોને ઉછેરેલા રોપાઓ નું વિતરણ કરવું, એ ત્રણ હપ્તામાં નિર્ધારિત સહાયની રકમ વન વિભાગ લાભાર્થી બહેનો ને ચૂકવે છે.લોકોને રોપાઓ નું વિતરણ વિનામૂલ્યે કરવાનું હોય છે.પરંતુ વિતરણ કર્યા બાદ પણ રોપાં લાભાર્થી બહેનો પાસે વધે તો જેને ખાનગી વાવેતર માટે જરૂર હોય તેને વેચાણ કરીને વધારાની આવક મેળવવાની પણ છૂટ આપવામાં આવે છે.
પરિશ્રમ,ચીવટ,કાળજી અને કુશળતા એ માતૃ શક્તિ ના લોહીમાં વણાઈ ગયેલા ગુણો છે.રાજ્યનો સામાજિક વનીકરણ વિભાગ હરિયાળા ગુજરાતના સર્જન માટે તેમની આ શક્તિઓનો વિનિયોગ કરાવી રોપાઓ નો ઉછેર કરાવે છે અને તેમને વધારાની આવક મેળવવાની તક આપે છે.નારી સશક્તિકરણ ની આ પહેલ નોંધ લેવા યોગ્ય છે.
Writer: Suresh Mishra, Nature lover and Traveller