ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે.
ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયનના દસ્તાવેજનો ભાગ છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.
પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય એશિયાટીક સિંહના નિર્મૂલનના જોખમને દૂર કરવાનો છે. સાથે એશિયાટીક સિંહની આગામી પેઢીઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલાં લેવાનો છે. આ પ્રોજેક્ટ પાછળનું એક કારણ એવું પણ છે કે, એશિયાટીક સિંહ સાથે નજીકના વિસ્તારમાં રહેતા લોકોનું વન્યપ્રાણીઓ સાથે તાલમેળ રહે અને એશિયાટીક સિંહ સંવર્ધનથી તેમને પણ ફાયદો મળી રહે.
પરિમલ નથવાણી સૂચિત પ્રોજેક્ટ લાયનના અમલીકરણની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં બીમાર અને ઇજાગ્રસ્ત એશિયાટીક સિંહના ઇલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઈન ડિસ્ટેમ્પર જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ગીરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ-ઇન્ડિયન વેટરીનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટનું પેટા કેન્દ્ર શરૂ કરવા સહિતની વિગતો આ યોજનામાં સામેલ છે કે નહીં તે જાણવા માગતા હતા.
આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર દ્વારા મળેલી માહિતી અનુસાર બીમારી અને ઇજાગ્રસ્ત એશિયાટીક સિંહોના ઇલાજ માટે ગીરમાં બે હોસ્પિટલ અને સાત રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.