વડગામ તાલુકાના હરદે વાસણા ગામે રાત્રીના સમયે હિંસક પ્રાણી રીંછ ગામમાં બિન્દાસ્ત લટાર મારતું નજરે પડયું હતું. જે સમગ્ર ઘટના ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફુટેજમાં કેદ થઈ હતી. પૂર્વ સરપંચ સરદારભાઈ ચૌધરીએ આ સંદર્ભે ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી છે. જાે કે શિયાળાની ઠંડી વચ્ચે રીંછના આગમનને લઈ ખાસ કરીને ખેડૂતોમાં ફફડાટ સાથે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.
વડગામ વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અને તાત્કાલિક વડગામ વનના અધિકારી અને સ્ટાફ અને દાંતા વન વિભાગના અધિકારીઓ ગામમાં પહોંચી ગયા હતા. અને જ્યાં રીંછ ફર્યુ હતું તે જગ્યાની તપાસ કરી હતી. અને રીંછ જ્યાં ફર્યુ હતું તે જગ્યાની તપાસ કરતાં સી સી ટીવીમાં રીંછ દેખાતા વડગામ વન વિભાગ દ્વારા રીંછની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. અને રીંછના પગ જોવા મળ્યા હતા. ત્યારે આ અંગે વડગામ વન વિભાગના અધિકારી તેજસભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વનવિભાગ રીંછ જે જગ્યા પર હતુ તે જગ્યાની તપાસ કરી હતી અને વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે મિટિંગ યોજી સજાગ રહેવા જણાવ્યું હતું અને હાલની પરિસ્થિતિ જોતાં રીંછ પાછુ જંગલમાં જતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.