‘World Elephant Day’ એટલે કે વિશ્વ હાથી દિવસ દર વર્ષે 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. એલિફન્ટ રિઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન અને ફિલ્મ નિર્માતા પેટ્રિશિયા સિમ્સ અને માઇકલ ક્લાર્કે વર્ષ 2011માં આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.
એક સમય હતો જ્યારે આફ્રિકા અને એશિયામાં ઘણા હાથીઓ હતા, પરંતુ છેલ્લી સદીમાં, હાથીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. આફ્રિકન હાથીઓની પ્રજાતિઓનો ગેરકાયદેસર હાથીદાંતના વેપાર માટે શિકાર કરવામાં આવે છે અને એશિયન હાથીની પ્રજાતિઓ વસવાટના નુકશાન અને માનવ-હાથીના સંઘર્ષને કારણે જોખમમાં છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં હાથીઓના સંરક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. કારણ કે, હાથીને રાષ્ટ્રીય ધરોહર પ્રાણી જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હાથીઓનું રક્ષણ કરવું દરેક નાગરિકની ફરજ છે.
આજે હાથીઓનું રક્ષણ ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં હાથીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. જે ચિંતાનો વિષય છે. આ દિવસ સૌપ્રથમ 12 ઓગસ્ટ, 2012ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. દેશમાં છેલ્લે 2017માં હાથીઓની ગણતરી કરવામાં આવી હતી. 2017માં હાથીઓની ગણતરી પ્રમાણે ભારતમાં 30 હજાર હાથીઓ છે, પરંતુ ધીરે ધીરે તેમની સંખ્યા પણ ઘટી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હાથીની રક્ષા માટે પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું. વિશ્વ હાથી દિવસ 2022 ના અવસર પર ફોટો શેર કરતા, તેમણે ટ્વિટ કર્યું, #WorldElephantDay પર, હાથીની સુરક્ષા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન. તમને એ જાણીને આનંદ થશે કે એશિયાના તમામ હાથીઓમાં ભારતનો હિસ્સો લગભગ 60% છે. છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થયો છે. હું હાથીઓનું રક્ષણ કરનારા તમામ લોકોની પણ પ્રશંસા કરું છું.”
હાથીઓના મૃત્યુના સંદર્ભમાં કેરળ ભારતનું સૌથી બદનામ રાજ્ય છે, જ્યાં દર ત્રણ દિવસે એક હાથીને મારી નાખવામાં આવે છે. પ્રાણીને નુકસાન પહોંચાડવું અથવા મારવું એ કાયદા દ્વારા ગુનો છે. ‘વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972’ હેઠળ પ્રાણીઓને મારવા પર ત્રણ વર્ષની જેલ અને 25,000 રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. જો તે ફરીથી તે જ ગુનો કરે છે, તો આમ કરવાથી તેને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડ સ્થિત એલિફન્ટ બ્રીડિંગ ફાઉન્ડેશન સાથે બે કેનેડિયન ફિલ્મ નિર્માતાઓ પેટ્રિશિયા સિમ્સ અને માઈકલ ક્લાર્ક દ્વારા વર્ષ 2012માં વિશ્વ હાથી દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. અને 2012 થી, પેટ્રિશિયા સિમ્સે વિશ્વ હાથી દિવસ પર આગેવાની લીધી છે. તેમની પાસે વર્લ્ડ એલિફન્ટ સોસાયટી નામની સંસ્થા છે. તેમની સંસ્થાએ હાથીઓના જોખમો અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના રક્ષણની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનું સંચાલન કર્યું છે. હાથી વિશે જો રોચક તથ્યની વાત કરીએ તો, હાથીનું બાળક જન્મની 20 મિનિટ પછી જ ઉભું થાય છે. એક હાથી એક દિવસમાં 150 કિલો ખોરાક ખાય છે. જો આપણે વજન વિશે વાત કરીએ તો, હાથીનું વજન 5 હજાર કિલો સુધી હોઈ શકે છે.