વડોદરા શહેર અને જીલ્લામાં મગર અને સાપના દોસ્ત તરીકે જાણીતા હતા રાકેશ
મગર અને સાપ જેવા પ્રાણીઓને સદાય સહાય કરનાર બાહોશ રેસ્યુઅર રાકેશ વઢવાણાના આક્સમિક નિધનથી વડોદરાની વાઈલ્ડ લાઈફ સોસાયટીએ દુ:ખદ આંચકો અનુભવ્યો છે. મુશ્કેલીમાં મુકાઈ ગયેલા મગર જેવા ભયાનક અને સાપ જેવા ચંચળ તથા ઝેરી જાનવરોને પણ બચાવી લેવાની તેમની સુઝ, કળા, ધિરજ, અને હિંમત દાગ માંગી લે તેવા હતા.

વડોદરા શહેરના જાણીતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂઅર રાકેશ વઢવાણાનું હૃદયરોગના હુમલામાં નિધન થતા વાઈલ્ડ જગત અને તેમના મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રર્વતી રહી છે. વડોદરા શહેરમાં રાકેશ વઢવાણા છેલ્લા ઘણા વર્ષોથી મહાકાય મગરથી લઈને સરિસૃપો અને વાનરોને રેસ્કયું કરવા માટે વડોદરા સહિત આસપાસના વિસ્તારમાં જાણીતા હતા. રાકેશ વઢવાણાએ પોતાનું જીવન વન્યજીવોને સર્મપિત કર્યું હતું.
રાકેશ વઢવાણાને મગરને રેસ્કયુ કરવાની મહારત હતી. મહાકાય મગરથી લઈને દરેક મગર રેસ્કયુ કરવા માટે રાકેશ વઢવાણાનું નામ મોખરે આવતું. આ ઉપરાંત રાકેશ વઢવાણાને રેસ્કયુ અંગેની વિશેષ ટેક્નિકને કારણે વનવિભાગ દ્વારા સાસણ ગીર સહિતના વન્ય કેન્દ્રોમાં ટ્રેનર તરીકે પણ બોલાવવામાં આવતા હતા. રાકેશ વઢવાણા ઘાયલ મગરોની સારાવાર પણ કરતા અને સહિસલામત તેને નિયત સ્થાને છોડતા.
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂઅર રાકેશ વઢવાણાના જીવન ચરિત્ર પર એક નજર.

– વડોદરા ઉપરાંત રાકેશ વઢવાણાને રેસ્ક્યૂ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી પણ બોલાવવામાં આવતા હતા. ખાસ કરીને બહારના રાજયોમાં વાનરોનું રેસ્કયુ કરવા માટે જતા હતા રાકેશ વઢવાણા
– મગરનો અવાજ કાઢીને રેસ્ક્યૂ કરવાની વિશેષ આવડતથી જાણીતા હતા.
– 15 વર્ષમાં 500થી વધુ મગર અને 3 હજારથી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું.

– ત્રણ મહિના અગાઉ નારેશ્ર્વર ખાતે માનવભક્ષી મગરનું રેસ્કયુ કર્યુ હતું.
– વર્ષ 2013માં કોટંબી ખાતે 16 ફુટના મહાકાય મગરનું રેસ્કયુ કર્યુ હતું.
– રાકેશ વઢવાણા વાઈલ્ડ લાઈફ રેસ્કયુઅરની સાથે સાથે વાઈલ્ડ લાઈફ ફોટાગ્રાફી પણ કરતા- રોકેશ વઢવાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વાનરોનું રેસ્કયુ કરવા માટે જતા અઠવાડીયા અને મહિનાઓ સુધી ત્યાં જ રોકાતા.
– આ ઉપરાંત રાકેશ વઢવાણા પક્ષીઓની ગણતરીમાં પણ પોતાનો સહયોગ વનવિભાગને આપતા.
– રાકેશ વઢવાણા મગર સંતાયો હોય તો તે આપસૂઝથી તેના જેવો જ અવાજ કાઢીને તેને ખેંચી લાવતો હતા એટલું જ નહીં ઘણીવાર મગરને બચાવવા માટે રાતભર બેસી રહેતા હતા.

– ત્રણ દિવસ અગાઉ દીપડાના રેસ્ક્યૂ માટે શિનોર ખાતે પણ વનવિભાગને મદદ કરી હતી.
– વનવિભાગ સાથે હંમેશા તાલમેલ અને સકારાત્મકતાથી કામ કરતા વનવિભાગને હંમેશા સહયોગ આપતા હતા.
– રાકેશ વઢવાણાએ નેત્રોનું દાન કર્યું તેમની આંખો સદાને માટે વન્યસંપદાને નિહાળતી રહેશે.
રાકેશ વઢવાણાના દુ:ખદ અવસાનથી વાઈલ્ડ લાઈફ જગતમાં તેમની ખોટ હંમેશા સાલશે. ww.wildstreakofnature.com વાઈલ્ડ લાઈફને સર્મપિત એક માત્ર ગુજરાતની વેબ પોર્ટલ સાથે પણ રાકેશ વઢવાણા શરૂઆતથી જોડાયેલા હતા. તેમનું ઘણુંજ માગદર્શન મળ્યું હતું. રાકેશ વઢવાણના અવસાનથી વાઈલ્ડ લાઈફ જગતે એક બાહોશ અને સાહસિક રેસ્કયુઅર ગુમાવ્યો છે.