ફરી એકવાર ગીરનું જંગલ ગેરકાયદેસર લાયન શૉને લઈને વિવાદમાં આવ્યું છે. કેટલાક લોકો ગીરના કોઈ વિસ્તારમાં પશુઓનું મારણ કરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વનવિભાગે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે વન વિભાગ વીડિયોમાં દેખાતા આરોપી યુવકો સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગીરના કોઈ વિસ્તારમાં સિંહ પશુનો મારણ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. સમગ્ર મામલે વનવિભાગ પણ હરકતમાં આવ્યું છે અને આરોપી યુવકે સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ બનેલો વીડિયો રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ રજૂ કર્યો હતો અને સિંહોની સુરક્ષા બાબતે કેટલાક પગલા ભરવા માટે વનવિભાગને સૂચનો પણ કર્યા છે. ત્યારે ગુરુવારના રોજ વનવિભાગના અધિકારીઓએ સોશિયલ મીડિયા મારફતે આરોપી યુવકનો ફોટો જાહેર કરીને તેની માહિતી વનવિભાગ અથવા પોલીસને આપવા માટે જાણ કરી છે.
સમગ્ર મામલે મુખ્ય વન સંરક્ષક સાથે વાતચીત કરી હતી, વીડિયોમાં દેખાતા યુવકો સુધી વનવિભાગ પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં વીડિયોમાં દેખાતા તમામ યુવકોની ધરપકડ પણ કરી લેવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. વધુમાં મુખ્ય વનસંરક્ષકએ જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા યુવકો પૈકી કેટલાક યુવકોને વનવિભાગે દબોચી લીધા છે. હજુ કેટલાક યુવાનો પકડવાના બાકી છે. જો કે હાલ સમગ્ર મામલે કાર્યવાહી થઇ રહી હોવાની વાત પણ તેમણે કરી છે. કેટલાક સમય પહેલા ગીર ગઢડાનો પણ એક ઈસમ ગેરકાયદે લાયન શૉ કરાવતા પકડાયો હતો. જે આજે જેલમાં છે, ત્યારે આ વીડિયોમાં દેખાતા આરોપીઓ પણ આગામી દિવસોમાં જેલમાં ધકેલાયેલા જોવા મળશે તેવો વિશ્વાસ વન વિભાગે વ્યક્ત કર્યો છે.