અભયારણ્યમાં 13 સ્થળોએ બોરને સંલગ્ન પવનચક્કી થી કુંડીઓ ભરવામાં આવે છે.
તરસ જીવમાત્રને લાગે છે અને જેમ ઉનાળો આકરો થતો જાય તેમ વધુ લાગે છે. તેને અનુલક્ષીને વન્ય જીવ વિભાગ,વડોદરાએ જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્ય હેઠળના વિસ્તારોમાં વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ તરસ છીપાવી શકે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે.બીજા શબ્દોમાં કહીએ તો પશુઓ માટે પાણીની પરબો ઊભી કરી છે.

જાંબુઘોડા અને શિવરાજપુર રેન્જમાં 13000 હેકટર જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે ઉનાળુ જળ વ્યવસ્થા કરવામાં આવી છે જેની જાણકારી આપતાં શ્રી એચ.ડી. રાઓલજી એ જણાવ્યું કે આ આખા વિસ્તારમાં જ્યાં ખૂબ અંતરિયાળ જગ્યાઓ છે ત્યાં બોર સાથે જોડેલી 13 પવનચક્કીઓ બેસાડવામાં આવી છે. આ ચક્કી ચાલે તેની સાથે ડંકીનો દંડો ઊંચોનીચો થાય અને સાથેની કુંડી ભરાય છે.આ દુર્ગમ વિસ્તાર હોવાથી વાહન દ્વારા પાણી પહોંચાડવું અઘરું છે.એટલે આ વ્યવસ્થા આશીર્વાદ બની છે.રાજ્યના દક્ષિણ ના જંગલોમાં પવનચક્કી આધારિત ડંકી અને હોજ બનાવવાની શરૂઆત જાંબુઘોડા થી 2019 માં થઈ હતી.
ઉનાળામાં મુખ્યત્વે જંગલની અંદરના વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે.આ બંને રેન્જમાં પાણી ભરવા માટે 80 જેટલી કુંડીઓ, હવાડા અને ચેકડેમની કુંડીઓ બનાવવામાં આવી છે.ટ્રેકટર જોડેલા ટેન્કર વડે વારાફરતી આ હોજ અને કુંડીઓ ભરવામાં આવે છે.બંને રેન્જ પાસે એક એક ટ્રેક્ટર જોડેલી ટેન્કર છે.આ વિસ્તારમાં પક્ષી વિવિધતા છે અને પંખીઓ ને પણ આ વ્યવસ્થા થી પાણી મળી રહે છે.

જાંબુઘોડા અભયારણ્યમાં મુખ્યત્વે દીપડો,ઝરખ,ભૂંડ, હરણ સહિતના વન્યજીવો છે. રતન મહાલમાં રીંછ અને દીપડા સહિત વન્ય પ્રાણીઓ છે.વન્ય જીવ વિભાગ આ જીવો પર આત્મીયતા રાખીને ઉનાળાની શરૂઆત થી જંગલમાં પીવાના પાણીની વ્યવસ્થા કરે છે જે લગભગ 15 મી જૂન એટલે કે કુદરતના ચક્ર પ્રમાણે નદી નાળાઓમાં નવા પાણીની આવક સુધી ચાલુ રહે છે. જીવદયા ને વરેલી રાજ્ય સરકાર આ રીતે પશુ પક્ષી અને વન્ય જીવોની પણ કાળજી લે છે.

આ વિભાગના નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી તથા શિવરાજપુર રેન્જના વન અધિકારી આર.એન. પુંવાર વન્ય પશુઓને પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યાં છે.