HomeWildlife Specialવૃક્ષ ગાથા: આ વૃક્ષ આદિજાતિ સમાજનું દેવ વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે

વૃક્ષ ગાથા: આ વૃક્ષ આદિજાતિ સમાજનું દેવ વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે

જંગલો અને ખેતરો મહુડાના ફૂલની મીઠી અને મદહોશ કરતી સુંગધથી છે સરાબોર

છોટાઉદેપુર થી બારીયા જવાના રસ્તે આવતા બરોજ ગામના ગોવિંદ સુરતાન રાઠવાના પરિવાર પાસે 115 જેટલાં મહુડાના વૃક્ષોની મોંઘેરી મિલકત છે. મહુડો એ આદિવાસી સમાજ માટે દેવ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે અને જેમની પાસે મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધે છે.

Social Media

અત્યારે ખેતીની મોસમ નથી પરંતુ ગોવિંદભાઈ નો આખો પરિવાર વ્યસ્ત છે. કારણ કે તેમની માલિકીના મહુડા વૃક્ષો પરથી મીઠી સુગંધ અને ઊંચું પોષણ મૂલ્ય ધરાવતા ફૂલો ગરી રહ્યાં છે અને મધુ પુષ્પો અને મહુડાના ડોળી નામે ઓળખાતા ફળ ઘણાં આદિવાસી પરિવારો માટે મોસમી આવકનું સાધન બની રહે છે.

ગોવિંદભાઈ કહે છે તાસીર પ્રમાણે કેટલાક મહુડા પરથી વહેલી પરોઢના ચાર વાગે તો અન્ય મહુડાઓ પરથી સવારના 9/10 વાગ્યે ફૂલો ગરવાનું ચાલુ થાય છે. એટલે અમારા પરિવારના નાના મોટા બધાં સભ્યો આ ગરેલા ફૂલો ભેગા કરવાનું કામ કરે છે.પાનખરને લીધે બધાં પાન ખરી જાય તે પછી હોળીની આસપાસ ફૂલ બેસવા માંડે છે અને માર્ચ એપ્રિલમાં લગભગ એક મહિના સુધી ફૂલોની મોસમ રહે છે.ઝાડની તંદુરસ્તી પ્રમાણે દૈનિક 3 થી 20 કિલો ફૂલ એક મહુડો મોસમમાં આપે છે.

Social Media

આ મહુડાના ફૂલો વેપારીઓ ખરીદે છે અને પરિવારો પોતાના ઉપયોગ માટે પણ રાખે છે.તેના વેચાણ થી ખેતી સિવાયની મોસમમાં ટેકો થાય તેટલી આવક મળે છે.ગોવિંદ કહે છે કે 100 મહુડા હોય એને મોસમમાં ફૂલોના વેચાણથી અંદાજે 2 થી અઢી લાખની આવક મળે છે.

ફૂલો ખરી જાય તે પછી મહુડા પર ફળ લાગે છે જે ડોળી તરીકે ઓળખાય છે.આ ફળ તેલીબિયાં ની ગરજ સારે છે.જૂન મહિનામાં વરસાદ આવે ત્યાં સુધી ડોળી ખરે છે.આ ડોળીમાં થી શુદ્ધ ખાદ્યતેલ મળે છે જેને કેટલાક લોકો ડોળીના ઘી તરીકે પણ ઓળખે છે. ડોળીને સૂકવીને, દળીને,બાફીને આદિવાસી પરિવારો રસાયણોના ઉપયોગ વગર તેલ કાઢે છે.ઘણાં હવે ઘાણીમાં પિલાવી ઘર વપરાશ માટે તેલ કાઢે છે. ડોળીનો ખોળ પશુ રોગોના ઉપચારમાં વપરાય છે અને સાબુના કારખાનેદારો પણ તેને ખરીદે છે.

Social Media

આમ,એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે,તેનું બજેટ સરભર રાખે છે.પ્રત્યેક કુટુંબને ઓછી વત્તી સંખ્યામાં મહુડાના ઝાડનો વારસો મળે છે.આદિવાસી દેવ પૂજન અને સામાજિક પરંપરામાં મહુડાના ફૂલ, ડોળીયું અને અન્ય પેદાશો ઉપયોગમાં લેવાય છે.આ દેવ વૃક્ષ હોવાથી એને કાપતાં નથી એટલે આજે આ વૃક્ષો સારા પ્રમાણમાં સચવાયા છે.

Social Media

મહુડા પરથી ખરેલા ફૂલ ફક્ત માલિક પરિવાર જ ચુંટી શકે પરંતુ જ્યારે ડોળી ખરે ત્યારે એ ડોળી કોઈપણ વીણી શકે એવી વણ લિખિત પરંપરા હોવાનું ગોવિંદભાઈ જણાવે છે. ગામ પટેલનું કહેવું છે કે વનસ્પતિ અને વૃક્ષોને અમારા બાપ દાદા પૂજતા હતા,અત્યારે અમે પૂજીએ છે અને અમારી પેઢીઓ ને વારસામાં આ વૃક્ષ પૂજા મળશે.

Social Media

મહુડાનો રોપ અંદાજે દશેક વર્ષે પુખ્ત થઈને ઝાડ બને પછી ફૂલ અને ફળ મળવાના ચાલુ થાય છે અને પેઢીઓ સુધી પરિવારને તેનો લાભ મળે છે.ઘર,ખેતરના જેમ ભાગ પડે તેમ કુટુંબની માલિકીના મહુડાના ઝાડના ભાગ પડે છે.
આ દેવ વૃક્ષ આદિવાસી સમાજની આસ્થા અને કેટલાક અંશે અર્થ વ્યવસ્થાનો આધાર છે.

- Advertisment -