નલિયાના ઘાસિયા મેદાનોમાં રહેતા ઘોરાડ પક્ષી માટે ઘોરાડ અભ્યારણ માટે ગુજરાત સરકારે ૩ હજાર હેકટર જમીન વન ખાતાને આપી છે. જેના બાદ ઘોરાડ અભ્યારણ્ય દેશનું સૌથી મોટુ અભ્યારણ્ય બનશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે રાજ્ય સરકારની આ યોજના છે. હવે દેશનું સૌથી મોટું ઘોરાડ અભ્યારણ્ય નલિયામાં બનશે. કચ્છના નલિયામાં ઘોરાડ પક્ષી મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેથી વન ખાતુ મોટું અભ્યારણ્ય બનાવશે. ટૂક સમયમાં જ વનવિભાગ આ અંગેની કાર્યવાહી શરૂ કરશે.
નલિયા ઘોરાડ અભ્યારણ્યમાં હાલ ૩૦ જેટલા જ ઘોરાડ બચ્યા છે તેવું સૂત્રોનું કહેવું છે. સ્વભાવે શાંત એવું આ પક્ષી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ કર્ણાટક રાજ્યમાં આ પક્ષી જોવા મળે છે. આ પક્ષીનું કદ ઊંચું, પેટનો ભાગ ધોળો, ડોક લાંબી અને નહોર તેમ જ પગ મોર જેવા હોય છે. પુખ્ત વયના પક્ષીનું વજન ૮-૧૪ કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં માદાનું વજન ઓછું, જ્યારે નરનું વજન વધારે હોય છે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય, ૨૦૦૯ના વન્ય જીવોના આવાસના સુગ્રિથત વિકાસ હેઠળના પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ માટેની એક પ્રજાતિ તરીકે ઘોરાડની ગણના કરવામાં આવી છે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે ૨૦૧૧ના ઘોરાડ પુનઃ પ્રાપ્તિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શિકા પુરી પાડી છે.