ભાવનગર નજીક ભાલ વિસ્તારમાં આવેલા કાળા તળાવમાંથી પાણી પીધા બાદ 6 જેટલા કાળિયારના મોત થયા હતા.કાળીયારના મોતને પગલે પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ભાલ વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાંથી પ્રદુષિત અને કેમિકલ મિશ્રિત પાણી કાળા તળાવમાં આવતું હોવાની અનેક ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા સોમવારે 6 જેટલા કાળિયાર તંત્રની બેદરકારીને કારણે મોતને ભેટ્યાં છે.
સમગ્ર મામલાની વન વિભાગને જાણ થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે જઈને તપાસ કરી છે. ગામ લોકોની ફરિયાદને આધારે તળાવના પાણીનો નમૂનો લઈ કાડિયારના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમમાં કેમિકલ મિશ્રીત કે પ્રદુષિત પાણી પીવાને કારણે મોત થયાનું કારણ બહાર આવ્યું, તો વન વિભાગ દ્વારા કેમિકલ ફેક્ટરી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે.
નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા પ્રદુષિત અને કેમિકલવાળું પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રની ઉદાસીનતાને લઈને કંપની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા, પરંતુ સોમવારે 6 કાળિયારે જીવ ગુમાવતા તંત્ર પણ હવે આળસ ખંખેરીને પ્રદુષણ ફેલાવતા એકમો સામે કડક હાથે કામ લે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.