સિંહણ અને ભૂંડ બન્ને ખુલ્લા કુવામાં ખાબક્યા હતા.
માળીયાહાટીના તાલુકાના વન વિભાગના ગડુ રાઉન્ડમાં મંગળવારના રોજ રાત્રીના સમયે ભૂંડના શિકાર માટે પાછળ દોડેલી સિંહણ અને ભૂંડ બન્ને ખુલ્લા કુવામાં ખાબક્યા હતા. જેથી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ટીમની મદદથી બન્નેને બચાવાયા હતા. મળતી માહિતી મુજબ વન વિભાગમાં ખંભાળિયા વાડી વિસ્તાર કે જે કોસ્ટલ એરિયાની બોર્ડર પર છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સિંહના ગુ્રપો આંટાફેરા આ વિસ્તારમાં છે. વન વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી કરી નજર રાખવામાં આવે છે. મંગળવારના રોજ સાંજના સમયે ખંભાળીયા ગામની સીમમાં જંગલી ભૂંડનો શિકાર કરવા એક સિંહણ તેની પાછળ દોડી હતી. વાડીનાં ખુલ્લા કુવામાં પહેલા ભૂંડ અને પછી સિંહણ એમ બન્ને ખાબક્યા હતા. કુવામાં જોરદાર અવાજ આવતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવી જોતા સિંહણ અને ભૂંડ બન્ને બચવા માટે તરફડિયા મારતા હતા. જોકે તાત્કાલિક માળીયા વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ અમરાપુર એનિમલ સેન્ટરમાંથી રેસ્ક્યુ ટીમને મદદ માટે બોલાવી સંયુકત રેસ્ક્યુ હાથ ધરી લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ સિંહણને દોરડા વડે પાંજરામાં સફળ રીતે પુરી હતી. બાદમાં ભૂંડને બહાર કાઢી તર તજ છોડી મુકવામાં આવ્યું હતું. જોકે કુવામાં ખાબકેલ 3 થી 5 વર્ષની સિંહણને કોઇ ઇજા છે કે કેમ તે જાણવા માટે ઓબ્ઝર્વેશન માટે અમરાપુર એનિમલ કેરમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.