ગુજરાત રાજયના વડોદરાના નિમેટા પાસે આવેલી નર્સરીમાં વનરક્ષક તરીકેની ફરજ બજાવતા રુપલબેને પ્રકૃતિને ખૂબ નજીકથી જોયેલી છે. તે અને તેમના પતિ એટલા પક્ષી પ્રેમી છે, કે પક્ષીઓની ફોટોગ્રાફી કરવામાં જમવાનું પણ ભૂલી જાય છે.
આ નર્સરીમાં ભાત ભાતના પક્ષીઓ આવે છે. સરકારી ફરજોની સાથે આ બહેન આ પાંખાળા દેવદૂતોની આદતો, માળા ક્યાં બાંધે છે, ક્યારે આવે છે, ક્યાં જાય છે, શું ખાય છે આ તમામ બાબતોનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરે છે અને પછી પંખીઓની આ પ્રવૃત્તિઓની શોખથી ફોટોગ્રાફી કરે છે. તેમની રજાઓ બહુધા જીવન સાથી જયેશભાઇ સાથે ટીમ્બી તળાવ, ગોરજ નર્સરી જેવા સ્થળોએ વહેલી સવારથી પક્ષીઓનું નિરીક્ષણ અને ફોટોગ્રાફી કરવામાં જાય છે.
આ દંપતિ આ કામમાં એવું તલ્લીન બની જાય છે કે વહેલી સવારથી મોડી બપોર સુધી પેટને લાગેલી ભૂખ પણ ભુલી જાય છે. વન વિભાગ કુદરતની સાચવણીનું કામ કરે છે અને રૂપલબહેને પ્રકૃત્તિ સંરક્ષણની ફરજોને માધ્યમ બનાવીને પક્ષીજગત સાથે સ્નેહ સંબંધ બાંધ્યો છે.
એમ.એ. પીટીસીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી આ યુવતીને બે વર્ષથી વનવિભાગમાં વન રક્ષકની નોકરી મળી અને સાગબારાના જંગલોમાં ફરજ દરમિયાન આ ફોટોગ્રાફીના શોખને બળ મળ્યું. તે અગાઉ રાજપીપળામાં છ મહિનાની તાલીમ દરમિયાન વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મનોજ ઠાકરે બર્ડ ફોટોગ્રાફી સહિત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનું જે માર્ગદર્શન આપ્યું તે પ્રેરણાના સ્ત્રોત બન્યું.
આ તાલીમ દરમિયાન ગુજરાતના જુદાં જુદાં ભાગોની પક્ષી વિવિધતા જોવાની તેમને તક મળી. ત્યારે સારો કેમેરો ન હતો એટલે મોબાઈલથી ફોટોગ્રાફી શરૂ કરી અને નોકરી મળતાં જ પહેલું કામ સોની કેમેરો વસાવવાનું કર્યું. હવે તેઓ સરકારી ફરજોની સાથે પ્રકૃતિની અદભૂત રચના જેવા પક્ષી જગતની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમના જીવન સાથી જયેશભાઈને પણ પ્રાકૃતિક તસ્વીર કલા સાથે એટલો જ લગાવ હોવાથી તેમની જોડી જામી છે.
તેઓ કહે છે કે વન વિભાગની નોકરી હોવાથી સાગબારાના જંગલોમાં છેક ઉંડાણ સુધી જવાની અને પક્ષીઓ જોવાની તક મળી. વડોદરા બદલી પછી આ શોખ છૂટી જશે એવો ડર લાગ્યો પરંતુ નિમેટા નર્સરીમાં ડ્યુટી મળવાથી ફરીથી પક્ષીઓનો પડોશ મળ્યો અને શોખ અંકબંધ રહ્યો.
નિમેટા નર્સરી અને ગોરજ નર્સરીમાં પક્ષીઓની વિવિધતા જોવા મળે છે એટલે મારી નોકરી મને કુદરત સાથે જોડવામાં પૂરક બને છે તેવી લાગણી વ્યક્ત કરવાની સાથે તેમણે જણાવ્યું કે, વન વિભાગની એક કામગીરી પ્રચાર, પ્રસાર અને જાગૃતિ આણવાની છે અને અમારી બર્ડ ફોટોગ્રાફી પક્ષીસંપદા અંગે લોકજાગૃતિ કેળવવાનું માધ્યમ બનશે એવી અમને શ્રદ્ધા છે. લોકોની જાણકારી અને જાગૃતિ વધશે તો જ આપણી પક્ષીસંપદા સચવાશે એવું તેઓ માને છે.
સાગબારાના જંગલને ખૂંદીને આ દંપત્તિએ ચિલોત્રો, દૂધરાજ, ચાસ, કલકલિયો, સનબર્ડ, નાનો પતરંગો, ખેરખટ્ટો જેવા પક્ષીઓને કેમેરામાં ક્લિક કર્યા હતા. આ વિશે રુપલબેન જણાવે છે કે, પક્ષીઓની આદતો, તે માળા ક્યાં બાંધે છે, ક્યારે આવે છે, શું ખાય છે જેવી તમામ બાબતોનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરીએ છીએ ઉપરાંત પુસ્તકો અને ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવ્યા બાદ ફોટોગ્રાફી કરવા નીકળી પડીએ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું કે નિમેટા અને ગોરજ નર્સરીમાં વિવિધ પક્ષીઓનો મેળાવડો જોવા મળે છે. બર્ડ ફોટોગ્રાફી લોકો માટે દુર્લભ અને લોકલ પક્ષીઓની જાણકારીનું માધ્યમ બને તે હેતુથી અમે છેલ્લા ઘણા વર્ષથી આ પ્રયત્ન કરી રહ્યા છે.
હમણાં જ તેમને આ વિસ્તારમાં દુર્લભ ગણાતો ચિલોત્રો હોવાના એંધાણ મળ્યા છે અને આ દંપતિ તેની ફોટોગ્રાફી કરવા પ્રયત્નશીલ છે. સાગબારાના જંગલોમાં તેમણે દૂધરાજને આછો પાતળો ક્લિક કર્યો એનો રોમાંચ હજુ ભૂલી શકાતો નથી. હજુ પણ તેમની પાસે બર્ડ ફોટોગ્રાફી માટે ઉત્તમ ગણાય તેવો કેમેરા સાધનો નથી.
પરંતુ સાંબેલું વગાડી બતાવે એ જ સાચો કલાકાર એ કહેવતને સાચી પાડવી હોય તેમ આ દંપતિ પક્ષીઓની શોધખોળ અને ક્લીક, ક્લીકમાં વ્યસ્ત છે. તેમણે દુધરાજ, ચાસ, કલકલીયો, સનબર્ડ, નાનો પતરંગો, ખેરખટ્ટો, ઘંટીટાંકણો જેવા પક્ષીઓને કેમેરે કંડારી લીધાં છે. રૂપલબહેને આ નોકરીને માધ્યમ બનાવીને કુદરત સાથેનું અનુસંધાન વધુ મજબૂત બનાવ્યુ છે.