જુનાગઢ જીલ્લાના મેંદરડામાં બે બાળસિંહ અને એક એશિયાટીક સિંહણના મૃત્યુ પાછળના કારણ સામે આવ્યું છે. જેમા આંતરિક ભાગોમાં કૃમિઓના હુમલાને કારણે એશિયાટીક સિંહના મોત થયાનું વન વિભાગની તપાસમાં બહાર આવતા અન્ય 6 જેટલા એશિયાટીક સિંહોને અલગ કરીને વધુ સારવાર માટે નિરીક્ષણ નીચે રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગડકબારી વિસ્તારમાં થોડા દિવસો પહેલા સમયાંતરે બે એશિયાટીક સિંહ બાળ અને એક સિંહણનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેને લઈને વન વિભાગ દ્વારા નમૂનાઓને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પરીક્ષણ બાદ મૃતક એશિયાટીક સિંહોના આંતરડામાં કૃમિઓના ચેપના લક્ષણો જોવા મળ્યા હતા. જેને કારણે આ ત્રણ જેટલા સિંહોના મોત થયાનું બહાર આવ્યું હતું.
સિંહના મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ વન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં રૂપે મૃતક એશિયાટીક સિંહોની સાથે રહેલા અન્ય 3 બચ્ચા 2 એશિયાટીક સિંહણ અને એક એશિયાટીક સિંહને પકડી પાડીને તબીબી પરીક્ષણ નીચે રાખવામાં આવ્યા છે. પરીક્ષણમાં રાખવામાં આવેલા 6 જેટલા એશિયાટીક સિંહોને કૃમિની સામે રક્ષણ પૂરું પાડે તેવા બે ડોઝ પણ આપવામાં આવ્યા છે, પરંતુ સાવચેરીના ભાગ રૂપે આ એશિયાટીક સિંહોને હજુ કેટલાક સમય માટે નિરીક્ષણ નીચે રાખવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
જોકે, મૃતક એશિયાટીક સિંહોના શરીરમાંથી જે નમૂનાઓ વન વિભાગના તબીબોને મળ્યા છે. તે કોઈ ગંભીર બીમારીના જનક નથી. તેમજ તેનો જંગલ વિસ્તારમાં ફેલાવો થવાની શક્યતાઓ પણ નથી. તેમ છતાં વન વિભાગ સાવચેતીના ભાગ રૂપે પકડવામાં આવેલા 6 શિયાટીક સિંહોનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલ તમામ 6 એશિયાટીક સિંહો ભય મુક્ત હોવાનું અને આગામી દિવસોમાં ફરીથી તેને તેના વિસ્તારમાં મુક્ત કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.