રેસ્ક્યુ સેન્ટર ઘણી વખત તો અનાથ બચ્ચાઓનું ઘર બની રહે છે.
સાસણ રેસ્કયુ સેન્ટર નામ વાંચીને કંઈક એવો જ વિચાર આવે કે અહીં વન્યજીવોને બચાવવાની કામગીરી જ થતી હશે. પરંતુ આ રેસ્ક્યુ સેન્ટરોમાં વન્યજીવોને તબીબી સુવિધા પૂરી પાડી તેમના જીવ બચાવવામાં આવે છે. એટલે કે, આ એશિયાટીક સિંહો અને અન્ય વન્યજીવો માટે હોસ્પિટલ કહી શકાય. આ હોસ્પિટલોની કામગીરી અને સુવિધા આજે વિશ્વના જંગલો માટે રિસર્ચનો વિષય બની રહી છે. 1412 કિ.મિના વિશાળ જંગલમાં વસતા વન્યજીવો માટે આટલી આધુનિક સુવિધા જોઈ સૌ કોઈ અચંબિત થઈ જાય છે.
આજે તો ગીર સાસણ રેસ્ક્યુ સેન્ટરો પાસે પોતાની એમ્બ્યુલન્સ પણ છે. જે જંગલમાં જઈ જે તે સ્થળ પર પણ તબીબી સારવાર કરી શકે ને જરૂર પડે તો રેસ્ક્યુ સેન્ટર સુધી ઘાયલ, માંદા કે અશક્ત વન્યજીવોને લઇ આવે છે. આ એમ્બ્યુલન્સમાં રેસ્ક્યુ ટિમ અને ખાસ વેટરનરી ડોકટર પણ હોય છે. જે એશિયાટીક સિંહોની જે તે સ્થળ પર જ તબીબી તપાસ કરે છે.
એશિયાના એકમાત્ર એશિયાટીક સિંહના નિવાસસ્થાન એટલે સાસણ ગીર જેમાં હાલ 650થી પણ વધુ એશિયાટીક સિંહોની વસ્તી છે. જે દિવસે ને દિવસે વધતી જાય છે એ પાછળનું એક માત્ર કારણ છે ગીર અભ્યારણ્યમાં એશિયાટીક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પર થતી કામગીરી અને સાથે સાથે સિંહોના સ્વાસ્થ્ય અંગે વન વિભાગની સતત દેખરેખ જવાબદાર છે.
જંગલ વિસ્તાર કે આસપાસના વિસ્તારમાં કૂવામાં પડી ગયેલા, કે ઇનફાઈટમાં ઘાયલ થયેલ કે પછી કોઈ બીમારીનો ભોગ બનેલા વન્ય જીવો ખાસ કરીને દીપડા અને એશિયાટીક સિંહોને જરૂર પડ્યે અહીં રેસ્ક્યુ સેન્ટરમાં લઈ આવી તત્કાલ સારવાર કરવામાં આવે છે. વન વિભાગના આ પ્રયત્નોને કારણે આજે એશિયાટીક સિંહોની સંખ્યામાં ખૂબ ઝડપી વધારો થઈ રહ્યો છે. તેમજ સિંહોનો મૃત્યુ આંક ઘટતો જઈ રહ્યો છે.
સાસણ ગીર અને આસપાસના વિસ્તારોને આવરી લેતા જંગલમાં વસતા વન્યજીવો માટે 5 થી પણ વધુ રેસ્ક્યુ સેન્ટર બનાવ્યા છે. જેમાં મુખ્ય 4 રેસ્ક્યુ સેન્ટરો છે જેમાં સાસણ રેસ્કયુ સેન્ટર, જામવાળા રેસ્કયુ સેન્ટર, જસાધાર રેસ્ક્યુસેન્ટર અને ધારી રેસ્કયુ સેન્ટર છે. આ સેન્ટરોમાં વન્યજીવો કોઈપણ પ્રકારના અકસ્માતના ભોગ બનેલા હોય તેને અહીં લાવી સારવાર આપવામાં આવે છે.
ગત્ત વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 23 એશિયાટીક સિંહોના કેનિયન ડિસ્ટેમ્પર વાયરસથી મોત થતા અન્ય એશિયાટીક સિંહોના જાન પર જોખમ આવી પડ્યું હોત પરંતુ વન વિભાગની સાવચેતીના પરિણાને વિવિધ રેસ્ક્યુ સેન્ટરની ટિમ દ્વારા ગીર જંગલના 650 એશિયાટીક સિંહોની ચકાસણી કરી હતી. અને વાયરસથી અસરગ્રસ્ત 31 એશિયાટીક સિંહોને જામવાળા રેસ્ક્યુ સેન્ટર લાવવામાં આવ્યા હતા. અને ખાસ અમેરિકાથી કેંયન ડિસ્ટેમ્પર નાબૂદ કરવા માટે રસી મંગાવી આ એશિયાટીક સિંહોને જીવતદાન આપવામાં આવ્યું છે. આ માટે તમામ રેસ્ક્યુ સેન્ટરની ટિમો અને વન વિભાગ ના અધિકારીઓ અને વન કર્મચારીઓએ રાત દિવસ એશિયાટીક સિંહોની સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી.
આ અંગે વન વિભાગના ચીફ કન્ઝરવેટિવ ઓફિસર ડૉ, ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, સરકાર પણ વન્યજીવો માટે ચિંતિત છે ને દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાસણ ડેવલપમેન્ટ માટે ફાળવે છે. જેના થકી સાસણ જંગલમાં આવતા પર્યટકો અને વન્યજીવોની સુવિધામાં વધારો કરવામાં આવે છે. હાલમાં જ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રેસ્કયુ સેન્ટર ની મુલાકાત લઈ અત્યાધુનિક સુવિધા શરૂ કરવામાં આવી. 108 જેવી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વન્યજીવોને બચાવવાના સફળ પ્રયાસો કરવામાં આવે છે.
ગીર જંગલમાં ગ્રુપમાં ફરતા એશિયાટીક સિંહોના ગળામાં કોલર આઈડી પહેરાવવામાં આવ્યા છે. જેના દ્વારા એશિયાટીક સિંહોની ગતિવિધિ પર દેખરેખ રાખી શકાય છે તેનું લોકેશન જાણી શકાય છે. તેમજ તેના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી મેળવી શકાય છે. હાલ 75 જેટલા એશિયાટીક સિંહોના ગળામાં કોલર આઈડી ફિટ કરવામાં આવ્યા છે. જો કોઈ એશિયાટીક સિંહની ગતિવિધિમાં ફેરફાર દેખાય તો તરત જ રેસ્ક્યુ ટિમ પહોંચી તેની સારવાર કરે છે. આમ રેસ્ક્યુ સેન્ટરની કામગીરી ખરેખર પ્રશન્સનીય છે.
આ ઉપરાંત ઘણી વાર એશિયાટીક સિંહ કે દીપડાના બચ્ચાની માં કોઈ અગમ્ય કારણસર મરી જાય છે. ત્યારે આવા અનાથ બચ્ચાને જીવિત રાખવા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ આવવામાં આવે છે. જયાં નાના બાળકની જેમ દેખરેખ રાખવામાં આવે છે. મોટા થતા કોઈ પ્રાણીસંગ્રહલાય ખાતે મોકલવામાં આવે છે.
ગીર અભ્યારણ્ય અને ગીર જંગલ ભારતનું અને એશિયાનું ગૌરવ છે. એ વન વિભાગના કામોની પ્રતીત થાય છે. ગીર સાસણના આ રેસ્ક્યુ સેન્ટરો વન્યજીવો અને ખાસ કરીને એશિયાનું ગૌરવ ગણાતા સિંહોની સંભાળ, સંરક્ષણ અને સંવર્ધન માટે આધુનિક હોસ્પિટલ સમાન છે. જે તમામ સુવિધાઓથી સજ્જ છે.