માતા પ્રકૃતિ ,તેના વૃક્ષો,વેલીઓ,પક્ષીઓ,પ્રાણીઓ,ડુંગરો,જંગલો જેટલા રળિયામણા,રોમાંચક, કુતૂહલ જગાવનારા અને આહ્લાદક છે,એટલી જ તેની ફોટોગ્રાફી પણ રોચક અને રોમાંચક છે. માતા પ્રકૃતિની તસવીર કળા એટલે કે નેચર ફોટોગ્રાફી એ જયેશ પ્રજાપતિને બેહદ પ્રિય શોખ છે.
તેમણે ઉપરોક્ત અનુભૂતિ ને પ્રસંગમાં વર્ણવતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના બાલારામ ના જંગલો ખુંદતા વારંવાર એ પંખીના ટહુકા સાંભળ્યા.કયું પક્ષી છે,કેવું દેખાય છે એ જાણવા ની તીવ્ર ઉત્કંઠા થઈ પરંતુ ક્યાંય એ પંખી ભાળવા મળ્યું નહિ. પરંતુ અનાયાસ મારી એ પંખી સાથેની સંતાકૂકડી નો અંત પાવાગઢના જંગલમાં આવ્યો.ત્યાં ફરી એનો અવાજ સાંભળ્યો અને આસપાસ નજર ફેરવી તો મહાશય હાજર.મગ્ન થઈને ગીત ગાતાં એ પક્ષીને વીડિયોમાં કંડારી લીધું ત્યારે જંગલ ફોટોગ્રાફી નો અનેરો રોમાંચ અનુભવ્યો.

જયેશ પ્રજાપતિ મલ્ટી નેશનલ કંપની ના કર્મચારી છે.નેચર ફોટોગ્રાફી એમનો માનીતો શોખ છે.એમના જીવનસાથી રૂપલ વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ છે જેમનું કાર્યક્ષેત્ર જંગલ છે.એટલે બંને ને પક્ષી અને પ્રકૃતિની ફોટોગ્રાફી નો સહિયારી શોખ લાદ્યો છે.આ દંપતીએ દેડીયાપાડા,ડાંગ, જાંબુઘોડા,બાલારામ, પાવાગઢ જેવા જંગલોમાં ફોટોગ્રાફી કરી છે.

વરસાદમાં પાવાગઢના કુદરતી સૌંદર્યની મસ્ત વિડિયોઝ ઉતારી છે. તેમણે પાવાગઢના જંગલમાં ટહુકા થી જેને શોધ્યું એ પક્ષી દાદુર,મોર,બપૈયા બોલે ગીતમાં ઉલ્લેખિત બપૈયો એટલે કે કોયલ કુળનું પક્ષી છે.તેનો દેખાવ અને ઉડવાની લઢણ શકરા બાજ જેવી હોવાથી અંગ્રેજીમાં એને કોમન હોક કુકુ તરીકે ઓળખવામાં આવે છે.આવું જ એક પક્ષી એશિયન કોયલ પણ છે. જયેશભાઇ કહે છે કે નર માદા નો લગભગ સરખો દેખાવ ધરાવતું આ પક્ષી જીવ,જંતુ,ઈયળ ખાય છે અને માર્ચ થી જૂન દરમિયાન ઈંડા મૂકે છે.રાજ્યના ગામો,ખેતરો,જંગલોમાં જોવા મળે છે. આ કથામાં રોમાંચ બાલારામ ના જંગલોમાં ખોવાયેલા ટહુકાને પાવાગઢના જંગલમાં ખોળી કાઢ્યા નો છે.
કુદરત બહુરૂપી છે અને તેની પાસે વિસ્મય નો ખજાનો છે.આ ખજાનો લોસ્ટ ટ્રેઝર ના બની જાય તે માટે જંગલો સાચવવા પડશે અને જંગલો સાચવવા બાળકોને વૃક્ષ સખા,મિત્ર અને ચાહક બનાવવા પડશે. જયેશભાઇ ની એક મધુર ટહુકાની શોધખોળ તો એક નિમિત્ત છે,કુદરત બચશે તો પેઢી તરશે એ આ કથાનો બોધ છે.