ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે ગરમીના પ્રકોપ વચ્ચે જુનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ અને અલયાદી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઝૂમાં વોટર કુલર અને પાણીના ફુવારા મુકવામાં આવ્યા છે.
જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સતત વધતી જતી ગરમીને ધ્યાને લઇને પશુપક્ષી અને પ્રાણીઓ માટે ગરમીથી રક્ષણ મળી રહે તેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઠંડા પ્રદેશના અને વિદેશથી અહીં લાવવામાં આવેલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વધતી જતી ગરમીને ધ્યાને લઇને ખાસ વ્યવસ્થાઓ જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઊભી કરવામાં આવી છે.
પ્રત્યેક પશુ અને પક્ષી તેમજ પ્રાણીના આંગણામાં ગરમીથી રક્ષણ મળે તે માટે પ્રાણીઓ માટે અનુકૂળતા મુજબ વાતાવરણ ભેજવાળું અને ઠંડુ જળવાઈ રહે તે માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારી અને કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. એશિયાટીક સિંહ, દીપડા અને વાઘ સહિતના પાંજરાઓમાં પાણીના મોટા કુંડની સાથે જમીનના વાતાવરણમાં પણ ભેજ જળવાઈ રહે તે માટે ફુવારાની વિશેષ વ્યવસ્થા કરાઈ રહી છે.
પક્ષીઓને પણ ગરમી ન લાગે તે માટે પાંજરાની ફરતે નેટ રાખવામાં આવી છે. તેમજ અહીં પંખાઓ દ્વારા પણ ખાસ કરીને ઠંડા પ્રદેશના અને વિદેશના પક્ષીઓ અને પ્રાણીઓને ઠંડક પહોંચાડવામાં આવી રહી છે. વધુમાં પ્રત્યેક પશુ-પક્ષી તેમજ માંસનુ આહાર લેતા પ્રાણીઓને પણ ખોરાકને લઈને ઉનાળાના દિવસોમાં વિશેષ કાળજી લેવામાં આવતી હોય છે. ઉનાળા દરમિયાન શરીરને અનુકૂળ અને તાપમાન જાળવી રાખવામાં મદદરુપ બનતા ખોરાક પણ પશુઓ અને પક્ષીઓને આપવામાં આવી રહ્યો છે.