શિયાળાની શરુઆત થતાં જ રાજયના વિવિધ સરોવરો અને તળાવમાં વિદેશી પક્ષીઓ માઈલોના માઈલ જેટલું અંતર કાપી એક દેશ માંથી બિજા દેશમાં ઉડાન ભરીને ગુજરાતના મહેમાન બને છે. રાજયના પોરબંદર, નળ સરોવર અને વડોદરાથી 44 કિમીના અંતરે આવેલા વઢવાણા તળાવમાં વિદેશી પક્ષીઓનો મેળાવડો જામે છે. ત્યારે આ વર્ષે ઓક્ટોબર માસથી અત્યારસુધી અંદાજે 25 થી 35 હજાર વિદેશી પક્ષીઓ જોવા મળ્યા છે.
મળતી માહિતી મુજબ વરસાદ ઓછી માત્રામાં થયો હોવાને કારણે કચ્છના રણમાં પાણી જ નથી જેને કારણે ત્યાં આવતા પક્ષીઓ પણ આ વર્ષે વઢવાણામાં જોવા મળ્યા છે. ઉપરાંત વઢવાણા તળાવમાં પણ પાણી ઓછુ છે જે પક્ષીઓ માટે ફાયદાકારક છે જેથી પક્ષીઓ વધુ અહીં અત્યારસુધી જોવા મળ્યા છે. અહીં આવતા 95 ટકા પક્ષીઓ માછલીઓ ખાતા નથી એટલે પાણી ઓછુ હોવાને કારણે પાણીમાં ઉગતી વનસ્પતિઓને તેઓ સહેલાઈથી ખાઈ શકે છે.
ગુજરાતમાં ઓછા જોવા મળતા અમેરિકાનું ગ્રે મલાડ, લાલ ચાંચ કારચીયુ, શિયાળુ પાનબગલી આ વર્ષે જોવા મળ્યા છે. મોટાભાગના પક્ષીઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ગુજરાતમાં આવતા હોય છે જ્યારે રાજહંસ એકમાત્ર એવું પક્ષી છે જે હિમાલય સર કરીને ગુજરાતમાં આવે છે.
આ વર્ષે તેની સંખ્યા 62થી પણ વધારે છે. યાયાવર પક્ષીઓને જે જગ્યા અનૂકુળ લાગે છે ત્યા દર વર્ષે આવે છે જેમાંનુ રાજહંસ છેલ્લા ચાર વર્ષથી વઢવાણા સરોવરમાં જોવા મળી રહ્યું છે. પક્ષીઓની ઓળખાણ માટે તેના ગળામાં બેલ્ટ બાંધવામાં આવે છે. વર્ષ 2009માં હિમાલયના તળાવમાં કે-65નો ટેગ રાજહંસના ગળામાં બાંધવામાં આવ્યો હતો. જે છેલ્લા ચાર વર્ષથી વઢવાણા આવી રહ્યું છે.