સરકારે નિર્ણય લીધા બાદ વન વિભાગે પહેલી વખત ડ્રોન કેમેરા વડે કરી દ્રષ્ટ્રિ
છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે લાયનશો અને જંગલમાં થતી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે સતત કાર્યરત રહેલા વન વિભગના અધિકારીઓ હવે તીસરી આંખથી જંગલ ઉપર નજર રાખશે. ખાસ કરીને જંગલના અને તેની સરહદ ઉપરના વિસ્તારો ઉપર નજર રાખવા હવે ઉડતા કેમેરા એટલે કે ડ્રોનની મદદ લેવામાં આવશે.
ગાંધીનગર ખાતે તા. 20 નવેમ્બરના રોજ સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગણપત વસાવા બેઠકમાં હાજર રહ્યા હતા. વન-પર્યાવરણ મંત્રી ગણપત વસાવા બેઠક બાદ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં એશિયાટીક સિંહોના મૃત્યુ થયા અંગેની ચર્ચા કરાઈ હતી. એશિયાટીક સિંહોના સંવર્ધન માટે 351 કરોડના કામોને સરકારે મંજૂરી આપી છે. આવનાર 5 વર્ષમાં 351 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતમાં અન્ય 5 જગ્યાએ સફારી પાર્ક બનાવવામાં આવશે. સાસણગીરમાં પ્રવાસીઓ નો ધસારો વધતા સરકાર હાલ અન્ય સફારી પાર્ક બનાવશે. આ ઉપરાંત સંવર્ધન માટે ડ્રોન, રેડિયો કોલર CCTVની ખરીદી પણ કરાશે.
જેના ભાગરૂપે વન વિભાગના અધિકારીઓએ સાસણ સિંહ સદન ખાતેથી ડ્રોન કેમેરા વડે જંગલ અને તેની આજુબાજુના વિસ્તારો ઉપર કેવી રીતે નજર રાખી શકાય તે માટે નિદર્શન કર્યું હતું.
આ અંગે વન્ય વર્તુળ ગીર વિસ્તાર ના મુખ્ય અધિકારી ડૉ. ડી. ટી વસાવડાએ જણાવ્યું હતું કે ગીર વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા લાયન શો પર નજર રાખવા અને તેને અટકાવવા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. તેમજ સિંહો નિ ગતિવિધિઓ પર પણ નજર રાખી શકાશે. જેથી કોઈ પ્રાણી ને કોઈ સમસ્યા હોય તો તુરંત સારવાર આપી શકાય.

સાસણ ગીરના જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે લાયનશો અને અન્ય પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં ઉપયોગી એવા ડ્રોન કેમેરાથી શું થઇ શકે તેની પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ ટૂંક સમયમાં ડ્રોન કેમેરા જંગલ અને તેની સરહદ વિસ્તારો ઉપર ઉડતા નજરે પડશે જેનાથી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપરાંત સિંહની અવર-જવર ઉપર બાઝ નજર રાખી શકાશે