જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ 2 સિંહ મોતને ભેટ્યા,હજુ પણ 20થી વધુ સિંહની સારવાર ચાલી રહી છે.
ગુજરાતનું ગૌરવ અને આગવી ઓળખ ધરાવતા ગીરના જંગલમાં એશિયાટીક સિંહોનાં જીવ ઉપર જાણે ઘાત આવી પડી છે. એશિયાટીક સિંહોનાં મૃત્યુને ઈનફાઈટમાં ખપાવવા મથતા વન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ગીરમાં તા. 12મી સપ્ટેમ્બરથી તા. 30મી સપ્ટેમ્બર સુધીમાં 21 એશિયાટીક સિંહોના મોત થયા છે. જયારે તા. 02 ઓકટોબરના રોજ વધુ બે એશિયાટીક સિંહો જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોતને ભેટયા છે. જેથી સિંહનો મૃત્યુંઆંક 23 પર પહોંચી ગયો છે.
દલખાણીયા રેન્જમાં આવેલા સરસિયા વિસ્તારમાં વધુ 7 સિંહોના મોત નીપજતા સિંહોનો મોત થયા હતા. જોકે હાલ એશિયાટીક સિંહોનો કુલ મૃત્યુઆંક 2૩ થતાં ભળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે દિવસેને દિવસે એશિયાટીક સિંહોની મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે. એશિયાટીક સિંહોના એક પછી એક મોતને પગલે સિંહ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)ના રિપોર્ટ મુજબ મૃતક સિંહો પૈકી ચાર એશિયાટીક સિંહના શરીરમાં વાયરસ જોવા મળ્યા છે. પરંતુ કયો વાયરસ છે તે અંગે વન વિભાગે કોઇ સ્પષ્ટતા કરી નથી. જોકે ટપોટપ એક પછી એક એશિયાટીક સિંહના મોતને લઈને આખરે હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. છેલ્લાં 3 સપ્તાહથી માત્ર દેખાવ કરતા વન વિભાગે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં હજુ પણ 20થી વધુ સિંહની સારવાર ચાલી રહી છે. એક બાદ એક સિંહના મોતથી વન વિભાગ અને સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં દિલ્હીના બે નિષ્ણાંતોની નજર હેઠળ સિંહોની સારવાર ચાલી રહી છે.

આ ઉપરાંત રાજય સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે અમેરિકાથી એશિયાટીક સિંહો માટે ( VACCINE ) રસી પણ મંગાવવામાં આવી છે. ઈજા પામેલ, રેસ્કયૂ કરેલ તમામ સિંહોના લોહીના નમુના અને મૃત્યુ પામેલા સિંહોના ટિસ્યૂના નમૂના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (NIV)પુના તરફથી મળેલા અહેવાલ મુજબ 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળેલ છે. જયારે 6 કેસોમાં વેટરનરી કોલેજ, જૂનાગઢથી તરફથી મળેલ અહેવાલ પ્રમાણે ટીકસથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઈન્ફેકશન જોવા મળેલ છે.

ખાસ કરીને પ્રોટોઝોઆ લોહીના રક્તકણને તોડી નાંખે છે ગીરના એશિયાટીક સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં એશિયાટીક સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠયા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે. શરીરમાં પ્રસરીને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એકકોષીય સજીવ અમિબા છે.
પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ એશિયાટીક સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી મજબૂત શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ કામગીરીમાં રાજય સરકારને નિષ્ણાંતોની મદદ મળી રહી છે. જેમાં બરેલી ઉત્તરપ્રદેશના 3 નિષ્ણાંતો, દિલ્હી ઝુના 5 નિષ્ણાંતો અને લાયન સફારી ઈટાવા, ઉત્તરપ્રદેશના 2 નિષ્ણાંતોની સેવા અને માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.

આ તમામ નિષ્ણાંતોની ટીમોના નિષ્ણાંત સિંહોનું અવલોકન અને ચકાસણી રિપોર્ટ, લોહીના નમુના, કિડની અને લીવર ફન્કશન વગેરેનું પરિક્ષણ કર્યા બાદ નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શન હેઠળ તમામ પગલા ભરવામાં આવશે જેથી એશિયાટીક સિંહોની મોતની સંખ્યાને અટકાવી શકાય અને યોગ્ય સારાવાર પ્રાપ્ત થઈ શકે.