ગુજરાતની આન, બાન અને શાન સમા ગુજરાતની ઓળખ એશિયાટીક સિંહના મોતનો મામલો ચિંતાનો વિષય છે. અમરેલીની દલસાણીયા રેન્જમાં એક સિંહના મોત થઈ રહ્યાં છે. ત્યારે સોમવારના રોજ વન વિભાગ દ્વારા સિંહના મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કુલ 21 એશિયાટીક સિંહના મોત થયા છે. તા. 12 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર સુદી 11 સિંહના મોત થયા હતા. તેમજ તા. 20 સપ્ટેમ્બર થી તા. 30 સપ્ટેમ્બર વચ્ચે 10 સિંહના મોત થયા છે. જોકે અત્યાર સુધી આ એશિયાટીક સિંહનો કુલ મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે.

એશિયાટીક સિંહના ટપોટપ મોત બાદ વનવિભાગ અને સરકાર સફાળા જાગ્યા છે. હવે વધુ સિંહના મોત ન થાય તે માટે વનવિભાગ કામે લાગી ગયું છે. આ માટે વનવિભાગે કહ્યું કે, દેશભરમાંથી ઈન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ (IVRI)ઝૂના નિષ્ણાંતોને જૂનાગઢ બોલાવવામાં આવશે. રાજય સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે અમેરિકાથી એશિયાટીક સિંહ માટે રસી(vaccine) મંગાવવામાં આવશે. અમરેલી જિલ્લાના દલખાણીયા અને જસાધાર રેન્જમાંથી 21 સિંહના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. 7 એશિયાટીક સિંહના મૃત શરીર જંગલમાંથી મળી આવ્યા હતા તેમ વનવિભાગે જણાવ્યું છે. જોકે સેમરડી વિસ્તારમાંથી રેસક્યુ કરવામાં આવેલ 31 એશિયાટીક સિંહોમાં પ્રથમ દ્રષ્ટિએ બિમારીનું કોઈ પ્રમાણ જોવા મળ્યું નથી હાલતો આ રેસક્યુ કરેલ તમામ એશિયાટીક સિંહો સ્વસ્થ છે.

સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વોયરોલોજી (NIV) પુના ખાતે મોકલવામાં આવ્યા છે. તેમાંથી ચાર સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું. તા. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં 9 સિંહ બીમાર જોવા મળ્યા હતા. જોકે આ ઉપરાંત 4 સિંહને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. તો 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.