દહોદ જિલ્લામાં હાહાકાર મચાવનાર દીપડો આખરે પાંજરામાં પુરાયો છે. ધાનપુર તાલુકામાં દીપડાએ કરેલા હુમલા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમે આ દિશામાં સતર્કતા દાખવા દીપડાને અંતમાં પાંજરે પુર્યો હતો.
મળતી માહિતી મુજબ રાત્રિના દીપડો જયારે શિકારની શોધમાં નિકળ્યો હતો અને પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવ્યો હતો. આ હાહાકાર મચાવનાર દીપડાની ઓળખ છતી કરવા માટે હવે ગ્રામજનોની મદદ પણ વન વિભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા હતા. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને 7 જેટલા પાંજરા પણ મુક્યા હતા. મહત્વનું છે કે, દીપડાએ છેલ્લા કેટલાક દિવસમાં 5 લોકો પર હુમલો કર્યો હતો. ધાનપુર તાલુકાના કોટંબી ગામમાં 9 વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીનુ મોત થયું હતું.
પુનાના કોટા ગામની 11 વર્ષની બાળકીનું પણ મોત થયું હતું અને કોટંબી ગામના જ એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત થયુ હતું. આ ઉપરાંત દીપડાએ ધાનપુરના ભણપુરના વૃદ્ધા પર પણ હુમલો કર્યો હતો. ત્યારે સાસણગીરની વન્ય પાણી ટ્રેકિંગની ટીમ ધાનપુરના જંગલમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસ રાત એક કરીને દીપડાને શોધી રહી હતી અને આખરે દીપડાને પાંજરે પુરવા સફળતા પ્રાપ્ત થઈ હતી.
