પ્રકૃતિમાં દરેક સજીવનું પોતાનું ખાસ મહત્વ છે. એ પછી મચ્છર હોય હાથી હોય કે સિંહ, દરેક પશુ પક્ષી એ તમામ પર્યાવરણની સમતુલા જાળવી રાખવા આ મદદ કરે છે. પરંતુ જો આમાંથી કોઈ એક સજીવની વસ્તી વધી જાય તો પર્યાવરણની સમતુલા જોખમાય છે. માનવ વસ્તીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે વસ્તી નિયંત્રણ એજ એક ઉપાય બચી રહે છે.
આપણે હાલ પૃથ્વી પર વસતા માનવની વસ્તી વિસ્ફોટક રીતે વધી જતા અટકાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ આજ અમે એક એવા પ્રાણીની વાત કરવા જઈ રહ્યા છીએ જેની વધતી વસ્તી માનવ માટે ખતરારૂપ બનતી જાય છે. આ પ્રાણીની વસ્તી કાબુમાં લેવી ખૂબ જરૂરી છે. અને એ છે દિપડા કે જેની વસ્તી નિયત્રંણ કરવી હાલના સમયમાં જરૂરી બની રહે છે.
જી હા, અમે ગીર જંગલની આસપાસ રહેતા દીપડાઓની વાત કરી રહ્યા છીએ હાલ જૂનાગઢ, અમરેલી, ગિર સોમનાથ અને પોરબંદરમાં અંદાજે કુલ 600 કરતા પણ વધુ દીપડાઓની સંખ્યા છે. જેના કારણે આસપાસના ગામોમાં દીપડા માનવ વસાહતો અને પાલતુ જાનવરો પર હુમલા કરી શિકાર કરી રહ્યા છે. જેના કારણે દીપડાઓ અને માનવ વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ આવિ ગયો છે.
ખેડૂતો ખેતી કામ કરવા જતાં પણ ડરે છે કારણકે દીપડાઓ ખેતરમાં જ શિકારની શોધમાં છુપાઈને બેઠા હોય છે. ખેડૂતો સિઝન દરમિયાન દૂર દૂર થી ખેત મજૂરો પણ લઇ આવે છે. પરંતુ ખેત મજૂરો ખેતરમાં જીવના જોખમે કામ કરવાનીના કહી રહ્યા છે.
જેના કારણે ચારે બાજુ એક જ અવાજ ઉઠી રહ્યોં છે કે, દીપડાઓનના હુમલાઓથી રક્ષણ આપો પરંતુ સવાલ ઈચ્છે કે શું આ સંભવ છે? શું બધા દીપડાઓને મારી નાખવા એ જ એકમાત્ર ઉપાય છે? શું 600 દીપડાઓ મારવા શક્ય છે? શું બધા માનવભક્ષી જ હોય છે કે તેને ઠાર કરવા પડે? શું જંગલનું ક્ષેત્રમાં વસતા તૃણહારી પ્રાણીઓ દીપડાઓની સંખ્યા દિવસે ને દિવસે એટલી વધી ગઈ છે કે, હવે દીપડાઓ ની નસબંધી કરવી પડશે.
હવે એ સમય આવી ગયો છે કે એક તરફ માનવ વસ્તી વધી જતાં માનવ વસાહતો સીમાડાઓ પાર કરી જંગલ તરફ વધતી જાય છે. જેના પરિણામે જંગલોનો વિસ્તાર સમેટાઈ જઈ રહ્યો છે. તો બીજી તરફ વન્ય જીવોની સંખ્યા પણ સંરક્ષણ અને સંવર્ધનના કારણે સતત વધતી જાય છે.
આથી જ માનવની જંગલી પ્રાણીઓના જીવનમાં દખલ દિવસે ને દિવસે વધતી જાય છે. જેના પરિણામે માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ વધતો જાય છે. શિકારની શોધ વન્ય પ્રાણીઓને માનવ વસાહતો ખેતરો સુધી ખેંચી લાવે છે. પાલતુ પશુઓ અને માનવ પર હુમલા કરે છે .માનવ પણ પોતાના સ્વબચાવ માટે દીપડાઓ જેવા ખૂંખાર વન્યજીવોને હાંકી કાઢવા પ્રયત્ન કરે છે પરિણામે વન્યજીવો સ્વાબચાવમાં વળતો હુમલો કરે છે અને શરૂ થાય છે જીવન મરણનો સંઘર્ષ આ પર્યાવરણની સમતુલાની પરાકાષ્ઠા કહી શકાય કે જ્યાં અસ્તિત્વની લડાઈ થઈ રહી છે.
હાલ આ જ પરિસ્થિતિ ગુજરાતના જૂનાગઢ પાસે આવેલ ગીર જંગલની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને વન્યજીવોમાં દીપડાઓ ની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અધધ વધારો જોવા મળ્યો છે. હાલ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલીમાં 600 થી પણ વધુ દીપડાઓ અને 650 એશિયાટીક સિંહોની વસ્તી છે.
આટલી મોટી સંખ્યામાં વસ્તા વન્યજીવોને પૂરતો ખોરાક જંગલમાંથી મળી શકવો સંભવ નથી પરિણામે શિકારની શોધમાં એશિયાટીક સિંહો અને દીપડાઓ અવારનવાર માનવસાહતોની નજીક આવે છે. વન વિભાગ આવા વન્યજીવોને માનવ વસાહતોમાંથી પકડી દૂર લઇ જાય છે. હાલમાં જ એક વર્ષના આંકડા જોઈએ તો માનવ પર કુલ 61 હુમલાઓ દીપડાઓ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાંથી 13 લોકોના મૃત્યુ થયા છે.
આજે પરિસ્થિતી એ છે કે આ ચાર જિલ્લામાં ખેડૂતો ખેતરમાં કામ કરતા જતા ડરે છે. મજુરો ખેતરમાં કામ કરવા માટે તૈયાર નથી. ચારે બાજુ એક જ અવાજ સંભળાય છે કે, દીપડાઓને પકડો..દીપડાઓને ઠાર કરો…બંદુકથી મારી નાખો.
પરંતુ સવાલ એ છે કે, સમગ્ર ગુજરાતમાં અંદાજે 3200 દીપડાઓ છે. એકલા સોરઠમાં 600 થી પણ વધુ દીપડાઓ છે. શું દીપડાઓને માનવ વસાહતોમાં આવતા રોકી શકાય? શું આટલી મોટી સંખ્યામાં ઠાર મારી દેવા એ જ એકમાત્ર ઉપાય છે? શું દીપડાઓની વધતી સંખ્યા એ ખરેખર ચિંતાનો વિષય છે? તો એને નિયંત્રિત કરવા શુ કરવું જોઈએ જેથી માનવ જીવન પર ખતરો બનતા અટકાવી શકાય.
આ અંગે જુનાગઢ વન્યજીવ વર્તુળ વિભાગના મુખ્ય વન અધિકારી ડો સંજય શ્રીવાસ્તવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ઉપરોક્ત આ બધાં પ્રશ્નો અંગે વન વિભાગના અધિકારીઓ અને નિષ્ણાંતો એ જ્યારે વિચાર્યું ત્યારે એક તારણ આવ્યું કે દીપડાઓને કુટુંબ નિયોજન થકી નિયંત્રણમાં લાવી શકાય.
દીપડાઓમાં ખાસ કરીને અમુક નર પ્રજાતિને નસબંધી કરવાથી પ્રજાતિ વધતી અટકાવી શકાય. હાલ આ પ્રોજેકટ અંગે એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલેલ છે અને કેન્દ્ર સરકાર આ અંગે વિચાર કરી રહી છે. જો આ પ્રોજેકટને મંજૂરી મળી તો પ્રાણીજગતમાં એક નવતર પ્રયોગનો યુગ શરૂ થશે.
આજ દિનસુધી ભારતમાં કોઈ પ્રાણી માટે કુટુંબ નિયોજન પ્રોજેક્ટ અંગે વિચાર સુધ્ધાં કરવામાં આવેલ નથી. પરંતુ દીપડાઓની વધતી સંખ્યા માનવ વસાહતો પર થતા હુમલા માટે ઘણે અંશે જવાબદાર છે. આ મુદ્દો જો ધ્યાનમાં લેવામાં આવેતો કેન્દ્ર સરકાર મંજૂરી આપી શકે છે.
જો કે પર્યાવરણએ વિજ્ઞાનનો વિષય છે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ અંગે પણ વિચારી શકાય કારણકે પર્યાવરણની સમતુલા ખોરવાઈ જાય તો પૃથ્વી પર વસતા માનવ અને અન્ય સજીવ માટે ખતરારૂપ બની શકે છે. આથી જ આ પ્રોજેક્ટ અંગે ખૂબ ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે એ પણ ખૂબ જરૂરી છે. આખીર તો સવાલ દરેક સજીવોના અસ્તિત્વનો છે.
http://wildstreakofnature.com/gu/leopard-panther/