કચ્છના નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 43થી 48ની આસપાસ પહોચી જતો હોય છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પીવાના પાણીની કોઇ તકલીફ ના પડે તે માટે કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં વનવિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઘુડખર અભ્યારણ વનવિભાગ દ્વારા રણની અંદર આવેલ અવાડાને ટેન્કર વડે પાણીથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણી થી અવાડા ભરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનિય છે હાલમાં કોરોના વાયરસનો ચેપ પશુ, પ્રાણીઓને ન લાગે તે પણ ધ્યાન રાખવામાં આવે છે. તેમજ આ રણના વિસ્તારને પાંચ જિલ્લા ની બોર્ડર લાગે છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી,બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. લોકડાઉનના કારણે હાલમાં પ્રવાસીઓ માટે પણ આ અભ્યારણ્ય બંધ છે. ત્યારે રણની અંદર કોઈ પ્રવેશ ન કરે તે માટે વનવિભાગ દ્વારા સતત તકેદારી રાખવામાં આવે છે.