યાયાવર પક્ષી ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સતત વધી રહી છે. ફ્લેમિંગોને ગુજરાતનું રાજ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ફ્લેમિંગો પક્ષી આમ તો ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે . પરંતુ આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 1000 થઈ ગઈ છે.
આ બળબળતા ઉનાળામાં ફ્લેમિંગોઝ સુરતમાં શહેરની વચ્ચેના વિસ્તારમાં જોવા મળ્યાં છે. આમ તો વિદેશી પક્ષી ફ્લેમિંગો સુરતને બાયપાસ કરીને જતાં રહેતાં હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ફ્લેમિંગો સુરતના મહેમાન બની રહ્યા છે.ફ્લેમિંગોની અત્યારે ચાર સ્પીશીસ જોવા મળે છે જેમાંથી અમેરીકાની ચાર સ્પીશિસ છે.
ફ્લેમિંગો એક પગે ઊભું રહેતું પક્ષી છે. તે એક પગે ઊભું રહે છે અને તેનો બીજો પગ વાળેલો રાખે છે.ગુલાબી રંગના ફ્લેમિંગો ને સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જોઈ એમ લાગે છે કે જાણે એ સૂર્ય નમસ્કાર કરે છે.
સુરત પ્રયાસ એનજીઓ સંસ્થાના પ્રમુખ દર્શન ભાઈ દેસાઈ ના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી ફ્લેમિંગો સુરતમાં આવી રહ્યા છે. આ વર્ષે તેમની સંખ્યા 1000 કરતા પણ વધુ છે. છેલ્લા એક મહિનાથી તેઓ તાપી નદીના ઉમરા ઓવરા નજીક જોવા મળી રહ્યા છે. આ સમય તેમનો પ્રજનનનો સમય માનવામાં આવે છે. મીઠા પાણીમાં થતી શેવાળ એમનો પસંદગીનો ખોરાક છે.
ગ્રેટર ફ્લેમિંગોની મોટી વસાહત અને બ્રીડિંગ સાઇટ તરીકે હવે સુરત સિટી જોવા મળી રહ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે સુરતની ફ્લેમિંગો સિટીમાં પ્રભાવક માત્રામાં બ્રીડિંગ થઈ રહ્યું છે.