રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં સાપનાં કરડવાથી એક 12 વર્ષીય વાઘણનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં બે સામાન્ય વાઘણ હતી. આ બે વાઘણ પૈકીની એક વાઘણને સાપ કરડી જતાં તેનું મોત નિપજ્યુ હતું.
મળતી માહિતી મુજબ રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં ભૂમિ નામની વાઘણને ઝૂમાં મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી હતી અને સાંજનો સમય થતા તેને ઓપન એન્કલોઝરમાંથી અંદર પાંજરામાં લઇ જવા માટેની તૈયારી ચાલી રહી હતી.
આ સમયે અમારો સ્ટાફ રૂટિન ક્રિયા મુજબ ‘ભૂમિ’ નામની વાઘણ પાસે ગયા પણ તે ઉભી થઇ શકી ન હતી તેમજ તે સ્થળેથી હલન-ચલન પણ કરી શકતી ન હતી. આથી અમારા સ્ટાફને તેની ચિંતા થઇ હતી. પરંતુ મોટી મુંઝવણ એ ઉભી થઈ હતી કે, તેની પાસે પહોંચવું કેવી રીતે?
આમ છતાં, અમારો સ્ટાફ તેની નજીક ગયો હતો. આમ છતાં પણ તેણે હલન-ચલન કર્યું ન હતું. ધીરે ધીરે અમારો સ્ટાફ તેના પગ બાંધીને તેને અંદર લઇ આવ્યા હતા અને તેની સારવાર શરૂ કરી હતી. આ દરમિયાન વાઘણના ડાબા થાપાના ભાગે સ્વેલિંગ જોવા મળ્યુ હતું. જેના કારણે અમને શંકા ગઇ કે, જરૂર તેને સાપ કરડ્યો હશે. આ પછી, વેટરનરી ડોક્ટર દ્વારા આ દિશામાં તેની સારવાર શરૂ કરાવી હતી પણ આ સારવાર કારગત નીવડી ન હતી, છેવટે સાડા આઠ વાગ્યાની આસપાસ તેનું મોત નિપજ્યું હતું.
પ્રાણીસંગ્રહાલયના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વાઘણના મૃત્યુ પછી તેનું ત્રણ ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં એવુ જાણવા મળ્યુ કે, વાઇપર પ્રજાતિનો કોઇ સાપ કરડવાથી તેનું મોત થયું હોવુ જોઇએ. રાજકોટ ઝૂ જેને પ્રધ્યુમન પાર્ક ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક કુદરતી રીતે જંગલ જેવો વિસ્તાર છે. જ્યાં અવાર-નવાર સાપ નીકળતા રહેતા હોય છે.
રાજકોટ ઝૂના સૂત્રોના જણાવ્યા મુજબ, આ વાઘણના ઓપન એન્કલોઝર વાળા વિસ્તારમાં કોબ્રા સાપ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી ૫૧ પ્રજાતિઓનાં કુલ 408 વન્ય પ્રાણી-પક્ષીઓને લોકોના પ્રદર્શન કરવા માટે રાખવામાં આવેલા છે.