ગુજરાતમાં ટુરિઝમને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના 1600 કિ.મિ દરિયા કિનારાના વિવિધ બીચો ને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. તો કચ્છમાં રણોત્સવ થકી વિદેશી પ્રવાસીઓ ને આકર્ષવામાં આવી રહ્યા છે. પરંતુ જુનાગઢ એક એવું શહેર છે જેને કોઈ ટુરિઝમ હબ બનાવવા માટેના તમામ પાસાઓ મૌજુદ છે.
જૂનાગઢમાં આવેલ ઐતહાસિક ઇમારતો, સાસણનું ગીર જંગલ, ગીરનારનો પહાડ, નરસિંહમહેતાની ભૂમિ ગણાતા સ્મારકો, ઇતિહાસની ઝાંખી કરાવતા મકબરા અને નકશીકામથી સુશોભિત દરવાજા, એ ભવનાથની તળેટી અને સુંદર રમણીય હિલ સ્ટેશન જેવા દ્રશ્યો, દામોદરકુંડ અને અક્ષરધામ મંદિર જેવા અનેક સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. તો ચાલો જઈએ જૂનાગઢની સફરે,
જૂનાગઢ નો કિલ્લો એટલે ઉપરકોટ:-
દિવાળીની રજા માણવા લોકો ઐતિહાસિક નગરીના વિવિધ સ્થળોની મુલાકાત લે છે. જૂનાગઢ શહેરની ઓળખ એટલે જૂનાગઢનો કિલ્લો જે ઉપરકોટ તરીકે જાણીતો છે. ચંદ્રગુપ્ત મોર્યના સમયમાં રાજા રાખેંગાર દ્વારા બંધાવ્યો હોવાનું મનાય છે. ઊંચી ટેકરી પર બનેલો આ કિલ્લો આજે પણ જૂનાગઢની શાન અને શૌકતને ઉજાગર કરે છે.
ઉપરકોટ 177 સ્થંભનો બનેલો છે. જેમાં માણેક અને નીલમ નામની બે તોપ આવેલી છે. બુદ્ધ ગુફા પણ દર્શનીય છે. અડીકડીવાવ અને નવઘણ કૂવો એ ઉપરકોટની શાન છે. આની સાથે એક લોકોક્તિ જોડાયેલી છે કે,
“અડીકડી વાવ નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મુઓ” એટલે કે જેણે અડીકડીવાવને નવઘણ કૂવોન જોયો તે જીવતો હોવા છતાં મૃત્યુ સમાન છે. જો કે સમય ની સાથે સાથે વર્તમાન સમયમાં આ કિલ્લામાં એમપી થિયેટર તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા પર્યટકો માટે કરવામાં આવી છે.
સમ્રાટ અશોકનો શિલાલેખ:-
જૂનાગઢની તળેટીમાં આવેલ અતિ પ્રાચીન અને વિશ્વ પ્રસિદ્ધ સમ્રાટ અશોકનો શિલાલેખ એ જૂનાગઢ ને ઇતિહાસમાં એક ઓળખ આપી છે. જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શીલાલેખ અતિ પ્રાચીન ઐતિહાસિક સ્થળ છે. જે 2200 વર્ષ જૂનો લેખ છે. જેમાં મૌર્યયુગના સમયના રાજા અશોક, રુદ્રમહાલ તથા સ્કંના લેખો કોતરાયેલા છે.
તે લેખોની ભાષા બ્રાહ્મી, પ્રાકૃત તેમજ પાલી છે. એમ મનાય છે કે, આ લેખો 700 થી 800 વર્ષ પહેલાંની વાત છે. ગિરનાર પર્વતની તળેટીમાં આ શિલાલેખ આવેલ છે. શિલાલેખ ની ઉંચાઈ લગભગ 12ફૂટ જેટલી છે. લોકઉપદેશની માહિતી આપતો આ શિલાલેખ એક વિશાળ પથ્થર પર લખાયેલ છે.
સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્ક:-
ભારત દેશનું સૌથી પ્રાચીન પ્રાણીસંગ્રહાલય ગણાતું ગુજરાતના જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આ પ્રાણીસંગ્રહાલય જે નવાબ મોહબ્બત ખાને વર્ષ 1863માં બનાવ્યું. જૂનાગઢના નવાબ પ્રાણીઓના ભારે શોખીન હતા સાથે સાથે પ્રાણી પ્રેમી પણ હતા. આથી જ નવાબે જૂનાગઢમાં પ્રાણીસંગ્રહાલય બનાવ્યું હતું. જે એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય માનું એક છે. આજે પણ લાખો દેશ વિદેશથી આવતા પર્યટકો સક્કરબાગની મુલાકત લઈને વિવિધ પક્ષીઓને પ્રાણીઓ વિશે માહિતી મેળવી આનંદ પ્રાપ્ત કરે છે.
આ સક્કરબાગની ખાસિયત એ છે કે, ત્યાં બીમાર તેમજ ઘાયલ પ્રાણી કે પંખી ની સારવાર માટેનું કેન્દ્ર પણ છે. તેમજ દેશી વિદેશી પ્રાણીને પક્ષી એક સ્થળે જોઈ શકાય છે. આ ઉપરાંત સફારી પાર્ક પણ બનાવેલ જેમાં એશિયાટીક સિંહ વાઘ હિપોપોટેમસ, હરણ વગેરે જેવા પ્રાણી મુક્ત રીતે જંગલમાં ફરતા તેમ જોઈ શકાય છે.
અક્ષર મંદિર:-
સ્વામિનારાયણ સંપ્રદાયનું શિલ્પ સ્થાપત્યકળાનું અજોડ નમૂના સ્વરૂપ અક્ષર મંદિર કલાત્મક મંદિર છે. જે નું નિર્માણ પ્રમુખસ્વામી એ કરાવ્યું હતું. આ મંદિર દિલ્હીના અક્ષરધામ પછીનું બીજા નંબરનું મંદિર ગણાય છે. મંદિરની ચારો તરફ સુંદર બગીચા અને રંગબેરંગી ફુવારાઓ થી શુશોભિત છે.
આ મંદિર જેમાં શુદ્ધ નાસ્તો અને જમવા માટે પ્રેમવતી ભોજનાલય પણ આવેલ છે. લોકો બગીચાની સુંદરતા માણવા માટે અહીં આવે છે. અને શ્રી રાધા રમણ દેવ, ઘનશ્યામ મહારાજ અને યોગી સ્વામિની ભક્તિમાં લીન થઈ જાય છે. પ્રાચીન જુનાગઢનુ આધુનિક મંદિર એટલે અક્ષરધામ મંદિર જે અહીં આવતા પ્રવાસીઓને ચોક્કસ આકર્ષિત કરે છે.
નરસિંહ મહેતા નો ચોરો:-
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..આ પ્રખ્યાત ભજન જેણે લખ્યું એ નરસિંહ મહેતા શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. કહેવાય છે કે શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે જ્યારે રાસ રમતા હતા ત્યારે નરસિંહ મહેતા ભક્તિમાં એટલા લીન થયા હતા કે, હાથ માં પકડેલ મશાલ ક્યારે હાથ સુધી પહોંચી ગઈ એ તેમને ખબર નહતી રહી.
આ એજ સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો જ્યાં એ રાસ રમાયો હતો. નાગર જ્ઞાતિના નરસિંહ મહેતાએ ભકિતની પરિભાષા જ બદલી નાખી એક સુંદર સંદેશ સમાજ ને આપ્યો છે. ગાંધીજીના આ પ્રિય ભજનથી જ જૂનાગઢની ઓળખ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ છે.
દામોદરકુંડ:-
જગપ્રસિદ્ધ કાશી અને ગંગા પિતૃ તર્પણ માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એટલે જ નરસિંહ મહેતા ખુદ પણ અહીં દરરોજ સ્નાન કરવા આવતા હોવાનુ માનવામાં આવી રહ્યું છે. આપણા પુરાણો માં મળતી માહિતી મુજબ જૂનાગઢનો દામોદર કુંડ કે જેમાં સકળ તીર્થના પવિત્ર જળ હોવાનું માનવામાં આવે છે.
એથી જ કોઈ પણ યાત્રા કરનાર શ્રદ્ધાળુ દામોદર કુંડમાં સ્નાન કરે ત્યારે જ તેમની યાત્રા પૂર્ણ ગણાય છે. ભાદરવાની અમાસ એ દામોદર કુંડમાં લાખો ભાવિકો સ્નાન માટે આવે છે અને પિતૃ તર્પણ કરે છે. જેથી તેના પિતૃ મોક્ષ પામે તેવી ધાર્મિક શ્રધ્ધા પણ છે. અહીં રાધારમણ દેવનું સુંદર મંદિર છે જે વૈષ્ણવ સમાજની ખૂબ પવિત્ર જગ્યા છે. અહીં મહાપ્રભુજી ખુદ બિરાજમાન છે.
મહોબ્બત મકબરા:-
જૂનાગઢના તાજમહલ એટલે આ સુંદર ઈરાની, ઇસ્લામિક અને ગૌધિક શૈલીનું સુંદર કોતરકામ કરેલ મકબરો. જૂનાગઢના નવાબ મહોબ્બત ખાન બીજાએ 18મી સદીમાં તેના વજીર બહાઉદ્દીન શાહની યાદમાં આ મકબરો બનાવેલ હતો જેનું નકશીકામ અદભુત છે. ચાર મીનારાઓ વચ્ચે બનાવેલો આ મકબરાની બાજુમાં જ નવાબ બીજો મકબરો પણ છે.
ઈરાની શૈલી માં ફૂલ-વેલના સુંદર નકશીકામની સાથે ફ્રેન્ચ ઢબની જાળીઓ, રશિયન ઢબના ઘુમટ, ચાંદીને હીરા, મોતી-જડિત એક સમયનો આ જાજરમાન મકબરો હવે સમયની સાથે જર્જરિત થઈ ચૂક્યો હોવા છતાં પોતાની આગવી ઓળખને સાચવીને ઉભો છે. પ્રવાસીઓ માટે ફોટોગ્રાફીનું એક વિશેષ સ્થાન છે. જેમાં પણ ખાસ કરીને સૌથી લોકપ્રિય અને સેલ્ફી માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. એક સમયનું કબ્રસ્તાન આજે લોકો માટે અમૂલ્ય નઝરાણું બની ગયો છે.
જૂનાગઢના આ તમામ સ્થળો એ દિવાળીની રજાઓમાં અને ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. આ ઉપરાંત મહાશિવરાત્રીના મેળા માં તેમજ લિલી પરિક્રમા કરવા જૂનાગઢ દર વર્ષે લાખો લોકો આવે છે. અને સાથે સાથે જૂનાગઢના પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે. ઐતિહાસિક નગરી જૂનાગઢ પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે. આથી જ એમ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી કે જૂનાગઢ એક ટુરિઝમ હબ બની રહયું છે.
આ તો થઈ જૂનાગઢના પ્રવાસન સ્થળની વાત હવે પછીના બીજા ભાગમાં જોઈશું જૂનાગઢ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળો કે જ્યાં રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઇથી લોકો શનિ વિકેન્ડની રજાઓમાં આવવાનું વધુ પસંદ કરે છે.