HomeWild Life Newsવડોદરા : વન વર્તુળે પ્રવાસન નિગમના સહયોગથી કેવડી અને કલેશ્વરી ખાતે બે...

વડોદરા : વન વર્તુળે પ્રવાસન નિગમના સહયોગથી કેવડી અને કલેશ્વરી ખાતે બે નવીન ઇકો કેમ્પ સાઇટસ વિકસાવી

વન કેડીઓ પક્ષીઓ વન્યજીવો પતંગીયાના જાણકાર પ્રશિક્ષિત ગાઇડસ પ્રકૃતિ શિક્ષણ આપશે

પ્રકૃતિ અને પર્યાવરણના માથે તોળાતુ જોખમ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. પ્રકૃતિ અને પર્યાવરણના મહત્વ પ્રત્યે સજાગ અને દિલી લગાવ ધરાવતી ભાવિપેઢીનું ઘડતર એ પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણનો એક આશાસ્પદ ઉપાય છે. તેને અનુલક્ષીને પ્રકૃતિ શિક્ષણથી પ્રકૃતિના રક્ષણની વ્યૂહરચનાને અનુસરીને વડોદરા વન વર્તુળ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કેવડી અને મહિસાગર જિલ્લાના ઇતિહાસધામ કલેશ્વરી ખાતે બે નવીન ઇકો કેમ્પ સાઇટસ વિકસાવવામાં આવી છે. કેવડી કેમ્પ સાઇટ વડોદરાથી ૧૧૫ કિ.મી.ના અને કલેશ્વરી કેમ્પ સાઇટ ૧૫૩ કિ.મી.ના અંતરે આવેલી છે અને પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજતી શૈક્ષણિક અને પર્યાવરણ સંરક્ષક સંસ્થાઓ અને પ્રકૃતિ પરિભ્રમણના ચાહકોએ બંને નવીન સરનામા નોંધી લેવા જેવા છે.

 

gujaratinformation.net

વનોના સંરક્ષણની ખાતરીનો એક ઉપાય વનવાસીઓ માટે વનક્ષેત્રમાં જ રોજગારીની તકોનું સર્જન કરવાનો છે. આ સત્યને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ બંને કેમ્પ સાઇટસનું પ્રબંધન સ્થાનિક વનવાસીઓની ઇકો ડેવલપમેંટ ટુરીઝમ સોસાયટી (ઇડીટીએસ)ને હવાલે કર્યું છે. કેમ્પ સાઇટસમાં આવનારા માટે સ્થાનિકોને ફિલ્ડ ગાઇડસ તરીકે પ્રશિક્ષિત કર્યા છે તથા તેમને વનવાસીઓની વાનગીઓના વેચાણ દ્વારા આવકની વ્યવસ્થા કરી છે.

અત્રે નોંધવું ઘટે કે વન્ય પ્રાણી જીવોમાં અજાયબી જેવી ઉડતી ખિસકોલી (ફ્લાઇંગ સ્કીવરલ) ગુજરાતમાં માત્ર કેવડીના જંગલમાં જોવા મળે છે અને કેવડી કેમ્પ સાઇટમાં તેને જોવાની તક મળી શકે છે. આ ઉપરાંત આ બંને કેમ્પ સાઇટસની આસપાસ નોળીયો, ઝરખ, શાહુડી, રીંછ, દીપડો જેવા વન્ય પ્રાણીઓ, તેતર, જંગલી કુકડા અને દુર્લભ ચિલોતરા સહિત પક્ષીઓ, પતંગીયા અને ગળો, બહેઠા, આમળા, ચારોળી, ચણોઠી, કવચ, કાંચકા, ગુંદર, મહુડો, મામેજવો જેવી ઔષધીય વનસંપદાની ભરમાર છે. એટલે આ સાઇટસ પ્રકૃતિ સંપદાના વૈભવથી છલકાય છે.

બંને કેમ્પ સાઇટસ માટે દસ-દસ જેટલા ફિલ્ડ ગાઇડસ પ્રશિક્ષિત કર્યા છે, જે વનદર્શન અને પ્રકૃતિ શિક્ષણમાં મદદરૂપ બનશે એવી જાણકારી આપતા વડોદરા વન વર્તુળના ડૉ. વિજય માનેએ જણાવ્યું કે, આ કેમ્પ સાઇટસ ખાતે વનભ્રમણ, પતંગીયા દર્શન, વનઔષધી દર્શન, પક્ષી નિરીક્ષણ, રાત્રે સ્વચ્છ આકાશમાં તારાદર્શન, ખડક ચઢાણ અને રીવર ક્રોસીંગ જેવી વિવિધતાસભર પ્રવૃત્તિઓની સાથે પ્રકૃતિ શિક્ષણની સુવિધા છે.

 

gujaratinformation.net

ઝીરો પ્લાસ્ટીક ઝોનના રૂપમાં આ કેમ્પ સાઇટસની સંભાળ લેવામાં આવી રહી છે. શૌચાલયોની સાથે તંબુ નિવાસ, વોચ ટાવર, પાર્કિંગ, શિક્ષણ માટે ખુલ્લા મેદાનમાં વર્ગખંડો, પીવા માટે આરઓનું પાણી સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. જે આ કેમ્પ સાઇટસને આકર્ષક બનાવે છે. તેની સાથે પીઠોરા પેઇન્ટીંગ, માટીકામ અને વનવાસીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને જોડવામાં આવી રહી છે.

કુદરતને બચાવવા કુદરતની નજીક જવું પડશે, કુદરતના ખોળે રમતા શીખવું પડશે, કુદરતને ચાહવાનો સ્વભાવ કેળવવો પડશે. આ બંને કેમ્પ સાઇટસ આ પ્રકૃતિ રક્ષક આદતો કેળવવામાં મદદરૂપ બનશે.

- Advertisment -