HomeWildlife Specialગુજરાતમાં સૌ પ્રથમ વડોદરાના વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં ઇન્ક્યુબેટર થકી બતકના ઇંડાનું સેવન

ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરાના વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં ઇન્ક્યુબેટર થકી બતકના ઇંડાનું સેવન

વન્યજીવ સુરક્ષા કેન્દ્રને દાનમાં હેચર ઇન્ક્યુબેટરમાં રખાયેલા 16 પૈકી 10 ઇંડામાંથી બતકના બચ્ચા બહાર આવ્યા

અહીં કમાટી બાગ પાસે આવેલા સામાજિક વનીકરણ વિભાગના વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત કૃત્રિમ પદ્ધતિથી બતકના ઇંડાને સેવીને બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે. કુદરતી પરિબળોને કારણે સેવી ન શકવાને કારણે આ બતકના ઇંડાને અહીં લાવવામાં આવ્યા હતા. જેને હેચિંગ ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યા હતા. તે બાદ બચ્ચા ઇંડા ફોડીને બહાર આવ્યા છે.

Social Media

બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી નામની સંસ્થાના સંચાલક પ્રતીક લાકડાવાલાએ સામાજિક વનીકરણ વિભાગને પક્ષી, સરિસૃપોના ઇંડા કૃત્રિમ રીતે સેવવા માટે બેએક લાખની કિંમતનું ઇન્ક્યુબેટર હેચર દાનમાં આપ્યું છે. તેને વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ કેન્દ્ર ખાતે ઘાયલ પશુપક્ષીઓની સારવાર કરવામાં આવે છે.

હવે થયું એવું કે વડોદરાના એક સદ્દગૃહસ્થને ત્યારે પાળવામાં આવેલા બતકે 16 ઇંડા મૂક્યા. પણ, બતક ઇંડાને સેવતી જ નહોતી. કોઇ હુમલાખોર પ્રાણીના ભયના ઓથાર હેઠળ પ્રકૃતિસહજ ઇંડાને સેવતું નહોતું. એથી આ 16 ઇંડાને વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. ઇંડાને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યા. તેમ પરિક્ષેત્ર વન અધિકારી સુશ્રી નિધિ દવેએ જણાવ્યું હતું.

Social Media

આ ઇન્ક્યુબેટરની વિશેષતા એ છે કે તેમાં 20 પ્રકારના પક્ષીઓ અને સરિસૃપો ઇંડાઓને સેવી શકાય છે. જેના ઇંડા રાખવાના હોઇ તેની સ્વીચ દબાવી મૂકવાના હોઇ છે. બતકના ઇંડાને 98.2 ફેરનહિટ કે 37 ડિગ્રી સેલ્સીયસ તાપમાન રાખવા પડે છે. સાથે, ઇન્ક્યુબેટર અંદર ભેજનું પ્રમાણ 60 ટકા જાળવી રાખવું પડે છે. આવું વાતાવરણ સામાન્ય રીતે બતકનું હોય છે. તેની અંદર ઇંડા તાપમાન મુજબ ફર્યા કરે એવી વ્યવસ્થા છે.

લાડકાવાલાએ કહ્યું કે, સામાન્ય રીતે ત્રીસેક દિવસે બતકના બચ્ચા ઇંડામાંથી બહાર આવવા લાગે છે. અહીં 28 દિવસે પ્રથમ બચ્ચું ઇંડાની કાચલી તોડી બહાર આવ્યું અને તે બાદ બેત્રણ દિવસમાં બીજા 9 બચ્ચા પ્રગટ્યા. હજુ છ ઇંડાને તેમાં રાખવામાં આવ્યા છે. તાજા જન્મેલા બચ્ચાને બ્રૂડરમાં રાખવામાં આવે છે. બહારના વાતાવરણ સાથે જ્યાં સુધી અનુકુલન સાધી ન લે ત્યાં સુધી બ્રૂડરમાં રાખી તેને ડ્રોપ કે ઇન્જેક્શન દ્વારા ખોરાક આપવામાં આવે છે. સામાન્ય રીતે બજારમાં મળતા ખાસ પ્રકારના દાણા જ આપવામાં આવે છે.

Social Media

રસપ્રદ વાત તો એ છે કે, બચ્ચાને જ્યારે બ્યુડરમાંથી બહાર લાવી માતા પાસે રાખવામાં આવે તો તેની માતા તુરંત પોતાના બચ્ચાને ઓળખતી નથી. ચારેક કલાક બાદ બચ્ચાના શરીરમાં રહેલી માનવગંધ ઓસર્યા બાદ ધીમેધીમે બચ્ચાને સ્વીકારતી જાય છે. એથી જ ઇન્ક્યુબેટરમાંથી બચ્ચાને બહાર કાઢ્યા બાદ તેની એક જ વ્યક્તિ દ્વારા સંભાળ લેવામાં આવે છે.

વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં કૃત્રિમ પદ્ધતિથી સેવાયેલા આ બતકબાળોને તેમની માતા પાસે રાખી દેવામાં આવ્યા છે. આ પ્રકારે સમગ્ર ગુજરાતમાં ઇન્ક્યુબેટરમાંથી બચ્ચાને જન્મ આપનાર વડોદરા સામાજિક વન વિભાગ પ્રથમ છે.

- Advertisment -