અબડાસા તાલુકાના મોટી વમોટી ગામની સીમમાં ખાનગી કંપનીની પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયાની ઘટના સામે આયા છે. એક મહિનામાં 20 થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત પવનચક્કીના કારણે નિપજ્યા હોવાનો ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો.
અબડાસા પંથકમાં રાષ્ટ્રીય પંખીના થતા મોતને પગલે કોંગી ધારાસભ્ય સહિતના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરના મૃત્યુ બાદ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ શોકાંજલિ આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અબડાસાના મોટી વમોટીની સીમમાં મોરના થયેલા મૃત્યું બાદ ધારાસભ્ય પી.એમ. જાડેજાએ પોતાનો રોષ વ્યક્ત કરીને આવી ઘટનાઓ પાછળ જંગલખાતું અને વહીવટી તંત્ર જવાબદાર હોવાના આક્ષેપો કર્યા હતા.
તેમણે કહ્યુંં હતું કે, પવનચક્કીઓના કારણે વન્ય સંપદા અને પર્યાવરણને ભયંકર નુકશાન થઈ રહ્યું છે. જંગલખાતું જ સાથે રહીને 500 વર્ષ જૂના વૃક્ષો કાપીને નિકંદન કરે છે. ત્યારે વન્યખાતા દ્વારા 20 વર્ષમાં કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરાયું અને હાલમાં કેટલા ઉઘેલા છે તે જણાવવામાં આવે. પવનચક્કીઓને આડેધડ મંજૂરી આપવાના કારણે પર્યાવરણ અને અન્ય જીવોનો નાશ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ગરીબ જો ગાંડો બાવળિયો કાપી કોલસો બનાવીને પોતાનું પેટીયું રડતો હોય તો પણ વનતંત્ર તેના પર કાર્યવાહી કરશે પરંતુ પવનચક્કી પ્રોજેક્ટ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
વધુમાં પી.એમ. જાડેજાએ જણાવ્યું હતુ કે, કેનેડામાં પવનચક્કીની આડ અસરને કારણે વરસાદ પણ વરસતો નથી. તેમજ તેની આરોગ્ય પર પણ અસર જોવા મળે છે. આવા વિવિધ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સહિતના કોંગી આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓએ મોરના વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કલેક્ટર કચેરીના પ્રાંગપણમાં મોરની શોકસભા યોજીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભુજમાં નોંધાવાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી વમોટી પંથકના ગામડાઓના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.