‘વિશ્વ સિંહ દિવસ’ જંગલના રાજાને ઓળખવાનો દિવસ
વર્લ્ડમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ સ્વજન માટે ઉજવાય છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક માત્ર દિવસ એટલે ‘વિશ્વ સિંહ દિવસ’, એશીયાનું ગૈારવ અને જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ , જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવતા ‘વર્લ્ડ લાયન ડે’ ની ઉજવણી કરવામાં આવે છે.

સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક,પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં 22000 ચોરસ કીલોમિટરમાં વિહરતા થયા છે.

વન્યપ્રાણી વર્તુળ સાસણગીરની આગેવાનીમાં સૈારાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં 40 તાલુકામાં વિશ્વસિંહ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વસિંહ દિવસની ઉજવણી વનવિભાગ દ્વારા વર્ષ 2016થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, એન.જી.ઓ. ગ્રામજનોએ ભાગ લીધો છે. ગત વર્ષ 2017માં જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આમ ચાર જિલ્લાનાં 36 તાલુકામાં 4193 શાળા, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક અને કોલેજ કક્ષાની સંસ્થાઓનાં 834474 છાત્રો અને નાગરિકોએ ભાગ લીધો હતો બોટાદ તાલુકામાં ૧૦૫૫ લોકોએ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ વર્ષે વર્ષ 2018માં સિંહોંના નિવાસસ્થાન ધરાવાતા પાંચ જિલ્લાનાં 40 તાલુકાનાં 5180 શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં 12 લાખથી વધુ લોકોને જોડવામાં આવશે. વિશ્વ સિહ દિવસે સાસણમાં સિંહ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. સિંહ સંવર્ધન અંગે ડોક્યુમેન્ટરી અને તજજ્ઞોનાં વક્તવ્યો સાથે વિદ્યાર્થીઓ ચહેરા પર સિંહનું મહોરુ લગાવી સિંહ સાથેની અત્મિયતાનાં દર્શન કરાવશે.

વિશ્વ સ્તરે એશિયાટિક સિંહોની માંગ રહેતી હોવાથી સિંહોનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે પરંતુ સિંહોના રક્ષણ અને સંવાર્ધનની જવાબદારી નિભાવનાર સાસણ ગીર અને વન વિભાગ લોકોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વન્ય પ્રાણીઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્ન કરે છે અને વિશ્વ સિંહદિવસ તરીકે ઉજવણી કરે છે, સિંહ એક એવી પ્રજાતિ છે જેનાથી આપને ગર્વ અનુભવીએ છીએ આથી જ ગેરકાયદેસર રીતે સિંહોને હેરાન કરતા લોકોને અટકાવવા અને લાયન શો કરી સિંહોને ખતરો પહોંચાડતા અટકાવવા તેમજ લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા આ એક પ્રયાસ છે આ ઉજવણીમાં આશરે દસ લાખ થી વધુ લોકો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આશરે 5000 થી વધુ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસ ની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જીવ સમતુલા જાળવવા અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જાળવી રાખવા સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવું જરૂરી છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ,પોરબંદર, અમરેલી, ભાવનગરમાં જોવા મળે છે. સિંહો ની સંખ્યામાં વધારો થતા બૃહદ ગીર ની કામગીરી અમલમાં છે.

સિંહો ની સંખ્યામાં જોઈએ તો છેલ્લી ગણતરી મુજબ 2015 માં કુલ ૫૨૩ સિંહો સાસણ ગીર ખાતે જોવા મળ્યાહતા જે હાલ 650 નો આંકડો પાર કરી રહ્યા હોવાનું એક અનુમાન છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ દ્વારા થઇ રહેલા પ્રયત્નોની સફળતા આ વધતી સંખ્યામાં જોઈ શકાય છે.આમ છતાં કુદરતી મૃત્યુ કરતા માનવ સર્જિત કારણે સિંહો ના મૃત્યુ ના આંકડા વધુ છે.

સાસણ ગીર ખાતે વધતા જતા હોટલો અને તેમાં થતા લાયન શો, ગેરકાયદેસર થતા સિંહોના પ્રદર્શન અને પજવણી છે, જેના કારણે સિંહો ચિડાઈ જતા હોય છે અને આસપાસના ગામડાઓ કે શહેરો તરફ ભાગે છે. જેના કારણે તેમના અસ્તિત્વ પર જોખમ વધતું જાય છે.વિશ્વ સિંહ દિવસ સિંહોની સુરક્ષા અને મહત્વતા ને જાગૃત કરવાનો એક અનેરો પ્રયાસ છે જેમાં ખાસ કરીને નાના બાળકોને જોડવામાં આવે છે જે આવનારા સમયમાં સિંહો સાથે મિત્રતા કેળવે અને તેમની જાળવણી કરે એ ખુબ જરૂરી છે.