HomeWild Life Newsગુજરાતમાં અહિંયા ‘શિયાળુ વિઝા’ લઇ આવતા યાયાવર પક્ષીઓની અવલોકન પદ્ધતિથી થશે ગણતરી

ગુજરાતમાં અહિંયા ‘શિયાળુ વિઝા’ લઇ આવતા યાયાવર પક્ષીઓની અવલોકન પદ્ધતિથી થશે ગણતરી

વઢવાણા તળાવ પરિસરને 13 ઝોનમાં વિભાજિત કરી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો સાથે રાખી વિદેશી પક્ષીઓની ગણતરી હાથ ધરાશે.

હેમંતથી શિશિર ઋતુની ફૂલ ગુલાબી ઠંડીની સાથે લગ્નસરાને માણવા માત્ર બિનનિવાસી ગુજરાતી જ વડોદરાની મુલાકાત લે એવું બિલ્કુલ નથી. મોટાભાગે ઉત્તરીય મોસમી પવનો સાથે ફૂંકાતી શીતલહેરની માણવા માટે ‘શિયાળુ વિઝા’ લઇ દૂર દૂરના હિમ પ્રદેશોમાં થી આવતા યાયાવર પક્ષીઓ પણ વડોદરા આસપાસના જળ પ્લાવિત વિસ્તારોમાં ડેરા નાખે છે અને મહેમાનગતિ માણે છે.

ખાસ કરીને રામસર સાઇટ એવા વઢવાણા તળાવમાં તો અનેક પ્રકારના વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. હજારોની સંખ્યામાં આવતા આ વિદેશી પંખીડાઓને વન વિભાગ યજમાનગતિ પૂરી પાડે છે. https://wildstreakofnature.com/gu/wadhwana-lake-is-a-bird-land-of-vadodara-district/સાથે, મહેમાન બનેલા પક્ષીઓની પ્રતિવર્ષ ગણતરી કરે પણ છે. વઢવાણા રામસર સાઇટ ખાતે આગામી તા.7મીએ પક્ષી ગણતરી થવાની છે. વન વિભાગ દ્વારા થતી આ પક્ષી ગણતરીની પદ્ધતિ રસપ્રદ છે.

WSON Team

એસીએફ એચ. ડી. રાવલજીએ કહ્યું કે, 900 હેક્ટર જેટલો વિસ્તાર ધરાવતા વઢવાણા તળાવની રામસર સાઇટને ત્યાં આવેલા યાયાવર પક્ષીની ગણતરી કરવા વન વિભાગ દ્વારા કુલ 13 ઝોનમાં વિભાજિત કર્યું છે અને ઝંડી ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. એમાંથી તળાવની અંદર કુલ આઠ અને તળાવ બહાર પાંચ ઝોન છે. વઢવાણા તળાવ આસપાસના કેટલાક બીજા તળાવ અને વિસ્તારોમાં પક્ષીઓની આવન-જાવન થતી રહે છે. એટલે, તેનું પણ ઝોનિંગ કરવામાં આવ્યું છે.

સ્વૈચ્છિક સંસ્થાઓના તજજ્ઞો સાથે રાખીને પક્ષીની ગણતરી કરવામાં આવે છે. કુલ 13 ટીમોનું ગઠન કરવામાં આવે છે. એક ટીમમાં વન વિભાગના ૨ કર્મયોગીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના તજજ્ઞો મળી લઘુતમ આઠ વ્યક્તિની ટીમોનું ગઠન કરવામાં આવે છે. આ તજજ્ઞો પક્ષીના વ્યવહાર, તેના પ્રકાર સહિતની બાબતોથી સારી રીતે વાકેફ હોઇ છે. તેમ આરએફઓ શ્રી પી. એન. પરમારે કહ્યુ હતુ.

ગુજરાતમાં જોવા મળતા લગભગ 550 જાતના પક્ષીઓ પૈકી એકલા વઢવાણામાં જ 250 જેટલી પ્રજાતિ જોવા મળે છે.

પક્ષીઓને ખલેલ ના થાય એ રીતે આ ગણતરી કરવાની હોઇ છે. ટીમો પાસે દૂરબીન જેવા દૂરદર્શક ઉપકરણો હોય છે. મોટાભાગે એવું બને છે કે, તળાવમાં પાણી ના હોય એવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પક્ષીઓ હોય છે. અંદર ત્રણેક ટેકરા પણ છે. તેઓ અવલોકન કરે છે અને જાત-સંખ્યા દર્શાવતા ફોર્મમાં વિગતો ભરે છે. અવલોકનના આધારે પક્ષીઓની સંખ્યા ઉપરાંત પોતાના જ્ઞાનના આધારે તેનો પ્રકાર નક્કી કરી ટેક્નિકલ ટીમને તે ડેટા આપે છે. આ ડેટાને એકત્ર કરી તેને તજજ્ઞો દ્વારા રેક્ટિફાઇ કરવામાં આવે છે.

WSON Team

પક્ષી ગણતરી સવારના 9થી 12 અને બપોર બાદ 2 થી 4 દરમિયાન કરવામાં આવે છે. આ બે તબક્કા દરમિયાન એક ઝોનમાંથી ઉડીને બીજા ઝોનમાં જતાં પક્ષીઓ અંગેની જાણકારી જેતે ઝોનની ટીમોને આપવામાં આવે છે. જેથી ગણતરી બેવડાઇ નહીં. ગત વર્ષે 68 હજાર જેટલા વિદેશી પક્ષીઓ નોંધાયા હતા. આ પક્ષીઓ મુખ્યત્વે યુરોપિયન દેશો અને સર્બિયાથી આવે છે. વઢવાણા તળાવ આસપાસના વિસ્તારોમાં ડાંગરનો પાક પુષ્કળ થાય છે. એટલે, યાયાવર પક્ષીઓને ચણ આસાનીથી મળી રહે છે. છીછરા પાણી વાળી કાદવિયા જમીનમાં જૈવિક આહાર વિવિધતા ની મિજબાની પણ માણવા મળે છે.

Social Media

સોએક વર્ષ પૂર્વે મહારાજ સયાજીરાજ ગાયકવાડે સિંચાઇના હેતુથી વઢવાણા તળાવ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર 10.38 ચોરસ કિલોમિટર છે અને 8816 હેક્ટર કમાન્ડ વિસ્તાર છે. હવે તો નર્મદાનું પાણી પણ આ તળાવમાં ઠલવાય છે. વઢવાણા પરિસરની પર્યાવરણીય મૂલ્યને કારણે વર્ષ 2005માં કેન્દ્ર સરકાર દ્વારા વેટલેન્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.

મજાની વાત તો એ છે કે, ગુજરાતમાં જોવા મળતા લગભગ 550 જાતના પક્ષીઓ પૈકી એકલા વઢવાણામાં જ 250 જેટલી પ્રજાતિ જોવા મળે છે. યાયાવર પક્ષીઓ પૈકી રાજ હંસ, ગાજ હંસ મોટા પ્રમાણમાં વઢવાણા આવે છે.

- Advertisment -