HomeDucksવઢવાણા સરોવર : વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ

વઢવાણા સરોવર : વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ

વડોદરાથી 40 કિ.મીના અંતરે ડભોઈ તાલુકામાં વડોદરા-બોડેલી હાઈવે પર આવેલું વઢવાણા સરોવર ગાયકવાડી શાસનની ભેટ છે. જે સિંચાઈના લાભો ઉપરાંત હજારોની સંખ્યામાં દેશી અને યાયાવર પક્ષીઓના વિસામા તરીકે ઉપયોગી છે.

WSON Team

વઢવાણા સરોવર ખાતે પક્ષી જગતની વિવિધતા નિહાળવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર અને જાન્યુંઆરી છે. વન્ય પ્રાણી વિભાગ, વડોદરા દ્વારા આ પક્ષીતીર્થને ઈકો ટુરિઝમ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે.

વઢવાણા સરોવરની અગત્યતા અને બેજોડ પર્યાવરણીય મુલ્યને કારણે તેને વર્ષ 2005માં રાષ્ટ્રના અગત્યના જળપ્લાવિત વિસ્તાર ( Wetland of National Importance ) તરીકે જાહેર કરવામાં આવ્યું. આપને જાણીને આનંદ થશે કે ગુજરાતમાં જોવા મળતા લગભગ 550 જાતના પક્ષીઓમાંથી વઢવાણા સરોવરમાં 135 જેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે.

આ ઉપરાંત 86 જાતની વનસ્પતિઓ, 7 જાતના સસ્તન પશુઓ, 13 જાતિના સરિસૃપો તેમજ આશરે ૩૫ કરતા વધારે અપૃષ્ઠશંશી કિટકો જોવા મળે છે. અત્રે આશરે 70 જેટલા પ્રજાતિઓ યાયાવર પક્ષીઓ ( Migratory Birds ) છે. જેઓ ખાસ કરીને શિયાળાની ૠતુમાં ખોરાક અને પ્રજનન માટે વઢવાણા સરોવર આવે છે. જેમાં 18 જાતના બતકો, 30 જાતના કાદવ ખુંદનારા પક્ષીઓ સહજ રીતે જોવા મળે છે. શિયાળા બાદ પણ વઢવાણાના સ્થાનિક પ્રજાતિના પક્ષીઓનું એક મહત્વનું આશ્રય સ્થાન છે.

WSON Team

વઢવાણામાં અત્યાર સુધી નોંધાયેલા યાયાવર બતકોમાં મુખ્યત્વે ગયણો, આડય, સીંગપર, નાની મુરધાબી, લુહાર, પિયાસણ, ચેતવા, રાખોડી, કારચિયા, કાબરી કારચિયા, ધોળી આંખ કારચિયા, નિલશીર, રાજહંસ, ગાજહંસ, પેણ, મોટી ચોટીલી, ડુબકી વગેરે જોવા મળે છે. કાદવ ખુંદનારા યાયાવર પક્ષીઓમાં ટીલીયા, કાંઠલાવાળી મોટી ઢોંગીલી, કાંઠલાવાળી નાની ઢોંગીલી, શ્ર્વેતપુંછ ટીટોડી, સામાન્ય તુતવારી, ખલીલી, મોટો ગડેરો, પંખા પુચ્છ ગોર ખોદ વગેરે છે.

WSON Team

જ્યારે સ્થાનિક પક્ષીઓમાં મુખ્યત્વે નાની સિસોટી બતક, નકટો, નાની ડુબકી, ગિરજા, મોટો કાજીયો, સર્પગ્રિવ, કબુત બગલો, નડી બગલો, કાણી બગલો, મોટો ધોળો, બગલો, વચેટ ધોળો બગલો, નાનો ધોળો બગલો, ફાટી ચાંચ, ધોળી ડોક ઢોંક, પીળી ચાંચ ઢોંક, કાળી અને સફેદ કાંકણસાર, નીલ જલ મરઘો, સ્વેત પાંખ જલમાંજર, કલ કલિયાની ત્રણ જાતો સહજ રીતે જોવા મળે છે. શિકારી પક્ષીઓ પાન પટ્ટી, મત્સ્યભોજ, લરજી, ગરૂડની પ્રજાતિઓ જોવા મળ છે. સીઝનમાં આશરે 70 થી 80 હજાર પક્ષીઓ વઢવાણા સરોવર ખાતે ઝુંડામાં જોવા મળે છે. ઘણીવાર પક્ષીઓની સંખ્યા એક લાખ કરતા પણ વઘારે પહોચેલ છે. વડોદરા જીલ્લાનું આ વઢવાણા સરોવર પક્ષીતીર્થ અને પ્રકૃતિ તીર્થ બંને છે.

- Advertisment -