પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનારા આદમખોર દીપડાને આખરે ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. ગઈ કાલે (મંગળવાર) રાત્રે ઘોઘંબાના ગોયાસુંડલ ગામે જંગલમાં મુકવામાં આવેલા પાંજરામાં આતંકી દીપડો ઝડપાઇ જતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જેમાં સુરતની એક્સપર્ટ ટીમ કામે લાગી હતી. વન વિભાગના વડોદરા ઝોન સીસીએફ આરાધના સાહુએ ઘોઘંબાના દીપડાના હુમલાથી અસરગ્રસ્ત વિસ્તારો અને જે જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા હતા ત્યાં રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તે જ સાંજે દીપડો પાંજરે પુરાતા સીસીએફ દ્વારા વ્યક્ત કરવામાં આવેલો દીપડાને ઝડપી પાડવાનો વિશ્વાસ અને વન કર્મીઓની મહેનતની જીત થઈ છે. આ દીપડાએ પંથકમાં 2 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.