પોરબંદરના આદિત્યાણાના કાજાવદરી રેવન્યુ વિસ્તારમાં દેખાયેલા દિપડાને પાંજરે પૂરી દેવામાં વન વિભાગની ટીમને સફળતા મળી છે. પોરબંદર નજીકના આદિત્યાણા કાજાવદરી ગામના રેવન્યુ વિસ્તારમાં દિપડો જોવા મળતા એ વિસ્તારના ખેડૂતો ખેતમજુરો સહિત ગ્રામજનોમાં ભારે ભય ફેલાઇ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે આ દિપડો પકડવા અંગે વન વિભાગને રજૂઆત કરવામાં આવતા વન વિભાગના આર.એફ.ઓ.ની સુચના અનુસાર પાંજરુ ગોઠવી દેવાયું હતું. જોકે રાત્રીના સમયે શિકારની શોધમાં તેમજ મારણની લાલચમાં આવેલ દિપડો પીંજરે પૂરાઇ ગયો હતો.
સાત વર્ષની પુખ્ય વયના ખૂંખાર દિપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળતા આ પંથકના ભયના ઓથાર હેઠળ આવતા લોકોને પણ ધરપત થઇ છે. આ ખૂંખાર દિપડાએ પાંજરે પૂરાયા બાદ પણ પોતાના ધમપછાડા ચાલુ રાખ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર આ દિપડાને ડુંગર વિસ્તારમાં છોડી મુકવામાં આવશે.