HomeWild Life Newsગીરમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજપરિ વર્તન નહીં કરાયઃ સરકારની ખાતરી

ગીરમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજપરિ વર્તન નહીં કરાયઃ સરકારની ખાતરી

સાંસદ પરિમલ નથવાણીના રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જાણકારી અપાઈ

કેન્દ્ર સરકારે આજે પુનઃ ખાતરી આપી છે કે ગીર જંગલમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન કરવામાં આવશે નહીં. સરકારે જણાવ્યું કે, વર્ષ 2017-18ના બજેટમાં સમાવિષ્ટ વેરવળ-તલાળા-વિસાવદર ગેજ પરિવર્તન યોજનામાં તલાળા-વિસાવદર મીટર ગેજનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આ યોજના ગીર સંરક્ષિત જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી જંગલ સંબંધિત મુદ્દાઓના કારણે તેને મીટર ગેજ તરીકે જ રાખવાનું નક્કી કરાયું છે. કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ માહિતી 13 માર્ચ 2020ના રોજ રાજ્યસભામાં રજૂ થયેલા નિવેદનમાં આપવામાં આવી હતી.

મંત્રી દ્વારા નિવેદનમાં જણાવાયું છે કે રેલવે દ્વારા ગીરના સિંહો જેવા લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. રેલવે દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે, ગીરના જંગલમાં આવેલા તાલાળા-વેરાવળ સ્ટેશનો વચ્ચે ટ્રેનની ગતિ 50 કિલોમીટર પ્રતિકલાકથી ઘટાડીને 30 કિ.મી. કરવામાં આવી છે જેથી જંગલના પ્રાણીઓ જ્યારે ટ્રેક પરથી પસાર થાય ત્યારે ટ્રેનને થોભાવી શકાય. એ ઉપરાંત વન વિભાગ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને રેલવે ટ્રેક નજીક સિંહોના આવાગમન અંગે જાણકારી મેળવીને ટ્રેનોનું ગતિ નિયંત્રણ રાખી શકાય અને એન્જિન ડ્રાઇવરો આ મુદ્દાઓ પ્રત્યે વધુ જાગૃત અને સચેત બને તે માટે જાણકારી આપી શકાય.

પરિમલ નથવાણીએ રાજ્યસભામાં એવી પૃચ્છા કરી હતી કે તાલાળા અને વિસાવદર વચ્ચેના 72 કિલોમીટરના ગીર જંગલમાંથી પસાર થતા ટ્રેકના ગેજ પરિવર્તનના કારણે એશિયાઈ સિંહો પર કોઈ જોખમ ઊભું થશે કે કેમ? ઉપરાંત ગીરના સિંહો અને સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિને ધ્યાનમાં રાખીને સરકાર આ મીટર ગેજ રેલવે લાઇનને હેરિટેજ રેલવે લાઇન તરીકે જાળવવા માગે છે કે કેમ? ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓના રેલવે ટ્રેક પર થતાં મૃત્યુને અટકાવવા માટે રેલવે દ્વારા લેવાયેલા પગલાં અંગે તેમના દ્વારા પુછવામાં આવ્યું હતું.

- Advertisment -