HomeWild Life Newsરાજકોટ: સીમમાં 40 દિવસથી ધામા નાખનારા 3 સિંહોનું રેસક્યું, ફોરેસ્ટ નર્સરીમાં લઇ...

રાજકોટ: સીમમાં 40 દિવસથી ધામા નાખનારા 3 સિંહોનું રેસક્યું, ફોરેસ્ટ નર્સરીમાં લઇ જવાયા

ભાગોળે છેલ્લા 40 દિવસથી ધામા નાખનારા ત્રણ સિંહોને આજે સવારે પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગની નર્સરી લઇ જવામાં આવ્યા છે. આ રેસક્યું ઓપરેશન માટે ગીરથી ફોરેસ્ટની ટીમ ખાસ આવી હતી. આજે વહેલી સવારે ત્રણેય સિંહોને પાંજરે પુરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. અલગ અલગ ત્રણ પાંજરામાં ત્રણેય સિંહોને પુરવામાં આવ્યા હતા.

ગીર જંગલમાં ત્રણ સિંહનું ગ્રુપ રાજકોટ જિલ્લાનાં વીરનગર ગામમાં સૌપ્રથમ જોવા મળ્યું હતું. બાદમાં હલેન્ડા, ત્રંબા અને કોટડા સાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા. કોટડાસાંગાણીના ભાયાસર ગામમાં ત્રણ સિંહોએ 15થી વધારે દિવસ સુધી ધામા નાખ્યા હતા. બાદમાં આ સિંહો થોડા દિવસ પહેલા જ આજીડેમ સુધી પહોંચ્યા હતા. એક ગાયનું મારણ કર્યું હતું. બે દિવસ પહેલા જ વડાળી ગામમાં વાછરડીનું મારણ કર્યું હતું. વડાળીમાં છેલ્લા 7 દિવસથી ત્રણેય સિંહોએ ધામા નાખ્યા હતા. ત્યાર બાદ આજે ત્રણેય સિંહોને પાંજરે પુરાયા હતા.

ત્રણ સિંહના ગ્રુપે છેલ્લા 40 દિવસમાં 45થી વધારે પશુઓનું મારણ કર્યું હતું. જેમાં ભાયાસર ગામમાં 15થી વધારે પશુનું મારણ કર્યું હતું. ત્રણ સિંહના આગમનથી ખેડૂતોમાં એક તરફ ખુશી હતી તો બીજી તરફ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગે ગામડાઓમાં જન જાગૃતિ પત્રિકાનું પણ વિતરણ કર્યું હતું. આ ત્રણેય સિંહો રાત્રે મારણ કરતા હતા અને દિવસે આરામ કરતા હતા. જો કે ગીર અભ્યારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજોનું લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેથી આ રેડિયોકોલરના કારણે ત્રણેયનાં લોકેશન મેળવવામાં સરળતા રહેતી હતી.

- Advertisment -