આ જંગલ સાથે એટલું ગાઢ સગપણ છે કે એમને વન કેડીઓ વૃક્ષો વન્ય જીવો અને પક્ષીઓ અંગે ઊંડી જાણકારી અને સમજણ છે.
શિવરાજપુર અને જાંબુઘોડાની રેન્જમાં વિભાજિત જાંબુઘોડાનું જંગલ આમ તો 13000 થી વધુ હેક્ટરમાં પથરાયેલું અને ગીચ છે.વૃક્ષો,ફૂલો,પક્ષીઓ, વન્ય જીવોની ભારે વિવિધતા ધરાવે છે.આ પૈકી ધનપરીના જંગલમાં તમે ભોમિયા ગમીરભાઈ નાયક સાથે ફરો તો તમે આ જંગલની સાચી ઓળખ મેળવી શકો.
કવિએ કીધું હતુકે ભોમિયા વિના મારે ભમવા છે ડુંગરા.પણ જીવનમાં કોઈ ભોમિયો હોય તો જેમ જીવન જીવવા જેવું લાગે તે જ રીતે ગમીરભાઈ જેવો વન ભોમિયો મળી જાય તો જંગલ ફરવા જેવું લાગે. આ હસમુખા માણસે ધનપરી અને સાદરા ના જંગલો સાથે એટલું તો ગાઢ સગપણ કેળવ્યું છે કે એમને વન કેડીઓ,ડુંગરા,પાણીના સ્ત્રોત,વનસ્પતિ,વન્ય પ્રાણી અને પક્ષી વૈવિધ્યની સારી સમજણ અને ઊંડી જાણકારી છે.એટલે એમને સાથે લઈને આ જંગલમાં ફરો તો જંગલની રગે રગ ઓળખવાની મઝા પડે.
આ જંગલનો ભોમિયો ધનપરી ગામનો વતની છે અને આછી પાતળી ખેતી કરે છે.અગાઉ જંગલના ચોકિયાત તરીકે એમણે જંગલ સાથે પાકી કરેલી ઓળખાણે એમને ગાઈડ તરીકે ઘડ્યા છે. પ્રવાસીઓ સાથે જંગલમાં જવાનું તેડું આવે તો તેવો બધાં કામ પડતાં મૂકીને ધનપરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે પહોંચી જાય છે કારણ કે,તેમનું કહેવું છે કે જંગલમાં ફરવાની વાત આવે તો તેવો ખાવાપીવાનું ભૂલાય જાય એટલા ઘેલાં છે.પ્રવાસીઓનું કુતૂહલ સંતોષવામાં એમને આનંદ મળે છે.તેઓ વન વિભાગના કર્મચારી નથી એટલે આ કામ માટે કોઈ વેતન મળતું નથી.પણ પ્રવાસીઓ સાથે જાય ત્યારે ઈકો ટુરિઝમ મંડળી તેમને નક્કી મહેનતાણું ચૂકવે છે. આ નિજાનંદી માણસ કોઈ પ્રવાસી જૂથ બક્ષિશ આપે કે ના આપે,સદા મોજમાં રહે છે.
તેમનું કહેવું છે કે મોટેભાગે શનિ રવિની રજાઓમાં ગાઇડનું કામ મળી રહે છે અને ખુશ થયેલા પ્રવાસીઓ બક્ષિશ પણ આપે છે. તેઓ પ્રવાસીઓને જંગલના રસ્તાઓ, ભાત ભાતના વૃક્ષો અને ઔષધ તરીકે ઉપયોગિતા, અહીં જોવા મળતા પક્ષીઓ,તેમની માળા બનાવવા,ઈંડા મુકવા અને મોસમ પૂરી થતાં અન્ય પ્રદેશમાં જતાં રહેવાની ખાસિયતો,વિવિધ વન્ય જીવો અને તેમની જીવન શૈલી ઇત્યાદિની જાણકારી આપે છે.આ બધું તેઓ કોઈ વિશ્વવિદ્યાલયમાં ભણ્યા નથી કે કોઈ ચોપડી તેમણે વાંચી નથી. નિરીક્ષણના આધારે તેઓએ જંગલને ઓળખ્યું છે.
તેઓ કહે છે કે,પ્રવાસીઓને દીપડા જેવા વન્ય જીવો જોવાની ખૂબ તાલાવેલી હોય છે પરંતુ પ્રાણીઓ બહુધા દિવસે જોવા મળતાં જ નથી. ઉનાળામાં વહેલી સવારે કે સાંજના ઉતરતા અંધારે પાણી પીવાની જગ્યાઓ નજીક જંગલ જીવો નસીબદારને જોવા મળી જાય છે. તેઓ તેમની ગામઠી ભાષામાં કહે છે કે, પાઈ પૈસો મળે કે ના મળે,લોકોને જંગલ દર્શન કરાવવામાં તેમને મઝા આવે છે. વડોદરા વન્ય જીવ વિભાગના કાર્યકારી મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી કહે છે કે ગમીરભાઇ સાથે જંગલમાં ફરવાનો અલાયદો આનંદ છે.જંગલ તેમના રસનો વિષય છે,તેઓ સારું જાણે છે અને સ્વાર્થ વગર સેવા આપે છે.
એટલે તમે જ્યારે ધનપરી કે કડા પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રો ખાતે જાવ તો ગમીરભાઇ ને તેડું અવશ્ય મોકલજો.તમારો પ્રવાસ જંગલનું જ્ઞાન સત્ર બની જશે. મમરો: કુદરતનું છે ને… એ બધું જ સહજ,સુંદર અને સરળ છે…માણસનું જ બધું વાંકુચુંકુ છે.. અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે…
Writer: Suresh Mishra, Nature lover and Traveller